દેશભરમાં કોરોના વાયરસના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. વધી રહેલા કેસને ધ્યાને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન્સ લાગુ કરી દીધી છે. તંત્રને પણ કડક પગલાં લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. પણ ઉત્તર પ્રદેશમાં આ ગાઈડલાઈન્સ જાણે સામાન્ય લોકોને જ લાગુ પડતી હોય એવું ચિત્ર સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં પ્રજા તો ઠીક પણ સીદર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કોવિડ પોઝિટિવ હોવા છતાં ખુલ્લેઆમ ગાઈડલાઈન્સના ધજાગરા કરી રહ્યા છે. લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.
જાણે મેળામાં ફરી રહ્યા હોય એ રીતે ફરી રહ્યા છે. મહારાજગંજ સીદર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય જયમંગલ કનૌજિયાનો તા.13 જાન્યુઆરીના રોજ કોવિડનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ ઘરમાં જ ક્વોરેન્ટાઈન થઈ ગયા હતા. તેમ છતાં મકરસંક્રાંતિના પર્વ પર શનિવારે તેઓ ગોરખનાથ મંદિરમાં જોવા મળ્યા હતા. એનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ ઘટના બાદ હડકંપ મચી ગયો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોવિડ પોઝિટિવ થયા બાદ ન માત્ર મેળામાં ફરતા હતા. પણ તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી હતી. જ્યારે આ અંગે ધારાસભ્ય જયમંગલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવું કહ્યું કે, દસ દિવસ પહેલા થોડી મુશ્કેલી પડી હતી. તેથી ચેકઅપ કરાવ્યું હતું. પણ દવા લીધા બાદ હવે ત્રણ ચાર દિવસથી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ચેકઅપ કરાવ્યો એ રીપોર્ટ મોડો આવ્યો છે. એટલું જ નહીં જયમંગલ કનૌજિયા એક દિવસ પહેલા બર્થ ડે પાર્ટીમાં પણ જોવા મળ્યા હતા.

CMO ઉત્તર પ્રદેશના ડૉ.એ કે શ્રીવાસ્તવે કહ્યું કે, તા.13 જાન્યુઆરીના રોજ જયમંગલ કનૌજિયાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક દિવસ પહેલા એમના સેમ્પલ લેવાયા હતા. સદર વિસ્તારના ધારાસભ્યનું આવી રીતે બહાર ફરવું યોગ્ય નથી. એ માનનીય છે તો એને કોણ કહી શકે છે. જોકે, માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં ગુજરાતમાં પણ ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય એ પણ ગાઈડલાઈન્સનો ભંગ કરીને બર્થ ડે પાર્ટીનું સેલિબ્રેશન કર્યું હતું.

