વલસાડના અતુલ સ્ટેશન નજીક મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા ટળી હતી. કોઈ અજાણ્યા ઈસમો તરફથી રેલ્વે ટ્રેક ઉપર સિરમેન્ટનો પિલર મૂકી દેવતા અગસ્ત ક્રાંતિ ટ્રેન સાથે પિલર ટકરાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી હોનારત થઈ ન હતી. પણ આ ઘટના બાદ રેલવે સ્ટાફ દોડતો થઈ ગયો હતો. હોનારત ન થવાથી રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે રેલ્વે પોલીસ, રેલ્વે અધિકારીઓ સહિત સુરત રેન્જ આઈ.જી સાથે વલસાડ જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.

અતુલ રેલ્વે સ્ટેશન નજીક કોઈએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મૂક્યો હતો. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી અને આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા પિલર ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ચાલકે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી. અગસ્ત ક્રાંતિ ટ્રેનના પાછળ આવતી ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ટ્રેક ઉપર તપાસ કર્યા બાદ ટ્રેનને 4 મિનિટ બાદ રવાના કરવામાં આવી હતી. રેલવે પોલીસ સહિત રેલવેના અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઘટના સ્થળનું નિરિક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે. જોકે સદનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો. પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખૂબ જ મોટી દુર્ઘટના બનવાની પુરેપુરી શક્યતા હતી. રાજ્યમાં ક્યારેય એવી ઘટનાઓ સામે આવે છે કે, તેનાથી લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. ક્યારેક કોઇ અસામાજિક તત્ત્વએ રેલવે ટ્રેક પર અડચણરૂપ કોઈ વસ્તુ મૂકીને ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ કર્યો હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે. ત્યારે આવી જ એક ઘટના વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક સામે આવી છે. સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ટ્રેનના પાટા પર પોલ મૂકનાર ઇસમને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે..

