જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મેરઠના મેજર મયંક વિશ્નોઈના સંપૂર્ણ રાજકીય અને સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મેજર મયંક જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રાષ્ટ્રીય રાઇફલ્સમાં ડ્યૂટી પર હતા. આતંકવાદીઓ સામે લડતી વખતે તેમને માથામાં ગોળી વાગી હતી. તા.27 ઓગસ્ટથી તેઓ ઉધમપુરની મિલિટરી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પણ પછી તેમણે અંતિમ શ્વાસ લીધા.

આ આર્મી ઓફિસરના પાર્થિવ દેહને તેમના પિતા વિરેન્દ્રએ મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યા હતા. ક્યાં ખબર હતી કે, જે બાળકને સારા સંસ્કાર આપ્યા એની નનામીને કાંધ દેવાનો વારો પિતાનો જ આવશે. આ દરમિયાન શહીદની પત્ની સ્વાતિ વિશ્નોઈ, માતા આશા વિશ્નોઈ અને બહેનો અનુ, તનુ હાજર હતા. જેની આંખમાંથી આંસુ અટકતા ન હતા. પત્ની સ્વાતિની હાલત સૌથી ખરાબ હતી. સતત રડતી રહેવાથી તેની આંખો સુકાઈ ગઈ હતી. જાણે દેહમાંથી આત્મા કાઢી લીધો હોય એવા હાલ એના જોવા મળ્યા હતા. તે ગુમસુમ ઉભી હતી અને તેના શહીદ પતિને જોતી હતી.

સૈન્ય અધિકારીઓએ સ્વાતિને ત્યાંથી દૂર કર્યા,પછી સ્વાતિએ મયંકને સેલ્યુટ કર્યા પછી આઈ લવ યુ કહીને નીકળી ગઈ ઉત્તર પ્રદેશસના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટર પર દુ:ખ વ્યક્ત કર્યું અને પરિવારને રૂ.50 લાખની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી. મેજર મયંકનો મૃતદેહ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ મેરઠ જિલ્લાના કાંકરખેડાના શિવલોકપુરીમાં તેમના નિવાસસ્થાને આર્મીના વિશેષ વાહનથી લાવવામાં આવ્યો. રાજકીય આગેવાનથી લઈને પોલીસ ટીમ સહિતના દરેક લોકોએ આ જવાનને શ્રદ્ધાજલી અર્પી હતી. તંત્રએ જિલ્લાના એક રસ્તાનું નામ શહીદ મેજર મયંક વિશ્નોઈના નામ પર રાખવાની પણ વાત કરી. રાજ્ય સરકાર વતી મંત્રી કપિલ દેવ અગ્રવાલ અને સાંસદ રાજેન્દ્ર અગ્રવાલે તેમાં હાજરી આપી હતી.

