રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 11 હજાર 176 જેટલા કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 3663 તો સુરતમાં 2690 કેસ તો સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 440 કેસો નોંધાયા છે. તો આજે રાજ્યમાં પાંચ દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કોરોના સંક્રમિત થયા છે. તેમનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટીવ આવતા તે આઈસોલેટ થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસો 11 હજારને પાર પહોંચ્યાં છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ઉત્તરાયણ પૂર્વે કોરોના રૂપી પતંગ ઉડી હોય તેવો માહોલ જોવા મળ્યો છે. માત્ર રાજકોટમાં જ 440 જેટલા કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ છે. તો કોરોનાની ત્રીજી લહેરમાં નેતાઓ પણ બાકાત રહ્યાં નથી. સૌરાષ્ટ્રના અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા બાદ આ સંક્રમણ આજે ભાજપના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેણે પોતાની જાતને આઈસોલેટ કરી છે.

ગૃહ રાજ્યમંત્રીનો કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટીવ આવતાની સાથે જ તેમના પરિવારજનોના કોરોનાનો ટેસ્ટ કરાયો હતો. જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 248 દિવસ બાદ આજે સરેરાશ 11 હજાર જેટલા કેસો નોંધાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આવનારા સમયમાં કેસ વધે તો પણ મુશ્કેલી પડે નહીં તેની સંપૂર્ણ તૈયારી રાજ્ય સરકારની છે.

