કોરોના વાયરસનું સંક્રમણ વધતા ગુજરાત સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. જેની સીધી અસર લગ્ન પ્રસંગો પર થઈ રહી છે. અગાઉ 400 લોકોની મર્યાદાને મંજૂરી આપવામાં આવી હતી. જે હવે બદલીને 150 લોકો પુરતી મર્યાદિત કરી દેવામાં આવી છે. આ નિયમ જાહેર થતા જે પરિવારમાં લગ્ન છે એ પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. કારણ કે, લગ્નની કંકોત્રી વહેચી દીધા બાદ આ ગાઈડલાઈન્સ જાહેર થઈ. બે દિવસ બાદ શરૂ થતી લગ્ન સીઝનમાં આ ગાઈડલાઈન્સનું ચુસ્ત પણ પાલન કરવું પડશે. જે પરિવારમાં લગ્ન છે એ પરિવાર પાસેથી આ અંગે મંતવ્યો જાણ્યા છે.
એક પરિવારમાં વરરાજાએ કહ્યું કે, મારા લગ્ન તા.12,13 અને 14 જાન્યુઆરીએ એમ ત્રણ દિવસ યોજાવવાના છે. લગ્નના પ્રસંગ પહેલા જ ગાઈડલાઈન્સ સરકારે જાહેર કરતા ત્રણ દિવસના પ્રસંગમાં મહેમાનોના ચાર ભાગ પાડીને મહેમાનોને આમંત્રિત કર્યા છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર રહેતા અમરે કહ્યું કે, તા.12થી 14 દરમિયાન લગ્ન પ્રસંગ છે. નવી ગાઈડલાઈન્સમાં 150 લોકોની મર્યાદા છે એટલે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધારે અગવડતા તો ક્યા મહેમાનોને ક્યા પ્રસંગમાં બોલાવવા એ અંગે પડી હતી. સરકારી ગાઈડલાઈન્સનું પાલન થાય એ માટે અમે મહેમાનોને ચાર જુદા જુદા ભાગમાં વહેચી દીધા છે. આ ઉપરાંત દરેક મહેમાનોને કોવિડની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા માટે પણ અપીલ કરી છે. ખાસ તો જે લોકોએ માસ્ક પહેર્યું હોય, વેક્સીનના બંને ડોઝ લીધા હોય, સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હોય એવા લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી લગ્નમાં અન્ય પરિવાર કે લોકોને કોવિડનો કોઈ રીતે ચેપ ન લાગે. 400માંથી 150 લોકોની યાદી તૈયાર કરવી ખરા અર્થમાં અશક્ય હતી. ગાઈડલાઈન્સ આવી ત્યારથી અમે આમંત્રિતોને ફોન કરીને ચોક્કસ પ્રસંગ અને સમય જણાવવામાં અમે લાગી ગયા. મોડી રાત સુધી ફોન ચાલતા રહ્યા હતા.

વરરાજા અમરે કહ્યું કે, એક અઠવાડિયામાં બે વખત તો ગાઈડલાઈન્સ બદલી ગઈ. જેના કારણે મહેમાનોને આમંત્રણ આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હું ખુદ લગ્નના આગલા દિવસ સુધી મહેમાનો માટે વ્યવસ્થા કરતો રહ્યો હતો. જે રીતે સરકારે ગાઈડલાઈન્સ બદલી એમ અમારે રાતોરાત મહેમાનોને ફોન કરવા પડ્યા. મર્યાદિત સંખ્યામાં મહેમાનોને બોલાવવા માટે કેટલાક પ્રસંગનો સમય પણ બદલવો પડ્યો. એક દિવસ પહેલા ગાઈડલાઈન્સ આવતા તમામ પ્રકારના આયોજન કરવા મોટી પરેશાની ઊભી થઈ. લગ્ન પ્રસંગને સફળ કરવા વરરાજા પણ દોડાદોડી કરી રહ્યા હતા.

