ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે આઠ સરકારી પોલિટેક્નિક ખાતે ડિપ્લોમા ઈન ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સરકારી નોકરીમાં દિવ્યાંગોને વધુ સ્થાન આપવા માટે ટકાવારીમાં પણ વધારો કર્યો છે. જે અગાઉ ત્રણ ટકા હતા એના 4 ટકા કરી દેવામાં આવ્યા છે. આ વિષય પર રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વઘાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકની જગ્યાઓની ભરતી માટે તેને સંલગ્ન જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
હવે ધોરણ 1થી5માં 1300 વિદ્યાસહાયકો, ધોરણ 6થી8માં 2,000 વિદ્યાસહાયકો થઈને કુલ 3,300 વિદ્યાસહાયકોની આ વર્ષે ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. આ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરી દેવાશે. શિક્ષિત ઉમેદવારો લાંબા સમયથી આ ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા પ્રમાણે વહીવટી પ્રક્રિયામાં મોડું થવાને કારણે ભરતી અટકી ગઈ હતી. આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરીને નવા વિદ્યાસહાયકોને જવાબદારી સોંપાનો વાયદો કરવામાં આવ્યો છે. પરંતુ ક્યાં સુધીમાં થશે તેની ચોક્કસ માહિતી આપી નથી. એટલે કે શિક્ષણમંત્રીએ આ માટે કોઈ ચોક્કસ સમયગાળો આપ્યો નથી. આ ઉપરાંત હાલ આ ક્યા તબક્કે આ માટે કામ થઈ રહ્યું છે એવી કોઈ ચોખવટ પણ કરી નથી. શિક્ષણમંત્રીએ કહ્યું કે, કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 20 હજારની કિંમતના ટેબલેટ માત્ર એક હજાર રૂપિયાના દરે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે.
જેના વિતરણમાં મોડું થયું છે. ઈ.ક્યુ.ડી.સી. દ્વારા ટેબલેટની ગુણવત્તા અંગે જરૂરી ચકાસણી કરવામાં આવે છે. જેમાં ટેબલેટમાં ટેક્નિકલ ખામી જણાતાં કંપનીમાં પાછા મોકલવામાં આવ્યા હતા. હવે ગુણવત્તાયુક્ત ટેબલેટનો જથ્થો ટૂંક સમયમાં મળશે. જેનું સત્વરે વિદ્યાર્થીઓને વિતરણ કરાશે. છેલ્લા ઘણા સમયથી સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોનો પ્રશ્ન હવામાં છે એવામાં રાજ્યની ઘણી એવી શાળાઓ છે જેમાં વિષય શિક્ષકોની ઘટ છે. આ પહેલા જીતુ વાઘાણીએ નવા સત્રમાં સાત નવા વિષયનો અભ્યાસ કરાવવા માટે એલાન કર્યું હતું. પણ ત્યાં પણ મુદ્દો એ ચર્ચામાં છે કે, સાત વિષયના શિક્ષકોને લાવવા ક્યાંથી? પ્રાથમિક સ્તરે એજ્યુકેશન આપ્યા બાદ એનું સાતત્ય ક્યાં સુધી જળવાશે એ પણ પ્રશ્ન શિક્ષકોમાં ચર્ચાય રહ્યો છે.

