ગુરૂવારે ગોંડલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં નવા ચૂંટાયેલા સરપંચનો સન્માન સમારોહ યોજાવવાનો હતો. પણ ખરાબ વાતાવરણને લીધે પાટીલનું હેલિકોપ્ટર ટેક ઓફ થઈ શક્યું ન હતું. જેના કારણે ગોંડલના આ કાર્યક્રમમાં પાટીલ જોડાઈ શક્યા ન હતા. ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યું કે, પાટીલની ગેરહાજરીમાં જ રેલી યોજાઈ ગઈ હતી. ભાજપના કાર્યકર્તાઓએ કોરોના વાયરસની ગાઈડલાઈન્સને નેવે મૂકીને બાઈક રેલી કાઢી હતી.

આમ ગોંડલમાં ભાજપે એક શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ બાઈકરેલીમાં જોડાયા હતા. અહીં ન તો સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું કે ન તો કોઈના મોઢે માસ્ક. આ ઉપરાંત કાર્યકર્તાઓ માસ્ક વગર એકબીજાથી નજીક રહીને ફોટા પડાવી રહ્યા હતા. રેલીના ફોટો સામે આવ્યા બાદ એવું કહી શકાય કે, કાર્યકર્તાઓ ગાઈડલાઈન્સ ભૂલી ગયા હતા. ત્રીજી વેવનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે આવી રેલી કોરોના સ્પ્રેડર બની શકે છે. રાજયભરમાં કોરોના વાયરસના વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દિવસે દિવસે આંકડો મોટો થઈ રહ્યો છે. ઓમીક્રોનના કેસ પણ આવી રહ્યા છે ત્યારે આવા રાજકીય મેળાવડા પ્રજાના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કરી શકે છે.

રાજકોટ તેમજ ગોંડલમાં કોવિડ પોઝિટિવ દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. એવામાં રેલી યોજીને ગાઈડલાઈન્સના ધજાગરા કરવામાં આવી રહ્યા છે. શાસકપક્ષના નેતાઓ જ ગાઈડલાઈન્સનું પાલન કરતા નથી. ગોંડલ ભાજપના સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે, આ સ્થાનિક નેતાઓએ કહ્યું છે કે, ગોંડલ બેઠકની ચિંતા મૂકી દેવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહેવામાં આવ્યું છે. અહીં ભાજપનો વિજય નક્કી છે એવો દાવો વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બીજી તરફ એવી પણ વાત ભાજપના આગેવાનોએ કહી કે ગોંડલ તાલુકો કોંગ્રેસ મુક્ત થઈ ગયો છે. ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રમયોગી કાર્ડનું પણ વિતરણ કરાયું હતું. રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી પણ રેલીમાં જોડાયા હતા અને કાર્ડ વિતરણ કર્યા હતા. અરવિંદ રૈયાણીએ કહ્યું કે, પ્રજાને લગતા કોઈ પણ કાર્યમાં કોઈ રીતે બ્રેક નહીં લાગે. કોઈ કાર્ય અટકશે નહીં. પ્રજાની સુખ સુવિધા માટે તાત્કાલિક નિર્ણય લઈને કામ કરવામાં આવે છે. આવા કામ યથાવત રહેશે. ગોંડલથી ગાંધીનગરના આગેવાનોનો સંપર્ક કરાશે. આ કાર્યક્રમમાં અરવિંદ રૈયાણી, મનસુખ ખાચરિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા મહેન્દ્ર સરવૈયા સહિતના નેતાઓએ ખાસ હાજરી આપી હતી. સરપંચોનું પણ સન્માન કરાયું હતું.

