સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ યાર્ડમાં બેદરકારીના કરાણે અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. કપાસના ગ્રાઉન્ડમાં મહિલા ઉપર લોડર ફરી વળતા તેણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે ગોંડલ યાર્ડમાં કપાસના ગ્રાઉન્ડમાં એક મહિલા ચાલીને જતી હતી. ત્યારે કપાસ ભરેલુ લોડર તેની નજીક આવે છે. મહિલા આ લોડર પોતાની તરફ આવતા જોતા તેણે લોડરના ડ્રાઈવરને ચેતવ્યો હતો. પરંતુ લોડરના ચાલકનું ધ્યાન ત્યાં ગયું ન હતુ અને લોડર મહિલા ઉપર ફરી વળ્યું હતું.

આ ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા ગોંડલના શ્રીનાથગઢ ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કોની બેદરકારીથી આ ઘટના બની અને મહિલાનો જીવ ગયો તે અંગે તપાસ હાથ ધરી છે.

