ગાંધીનગર પાસે આવેલી રાયપુર નર્મદા કેનાલ મોતની કેનાલ બની રહી છે. ત્રણ દિવસ પહેલા ડૂબેલા ચાર મિત્રોનો મૃતદેહ હજુ મળ્યાને 24 કલાક પૂરા થયા નથીં ત્યાં એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે. રવિવારે સવારે આ કેનાલમાં વાસણીયા મહાદેવ ગામના પ્રેમી યુગલે મોતનો કુદકો લગાવ્યો છે. જેના કારણે બંને વ્યક્તિઓના પરિવારજનોને બોલાવી ફાયર વિભાગે બંનેના મૃતદેહ માટે કેનાલમાં શોધખોળ શરૂ કરી છે.
આ દરમિયાન એક અજાણ્યા યુવાને પણ મોતનો કુદકો માર્યો હતો. જેને ફાયર વિભાગની ટીમે ડૂબકી મારીને ભારે જહેમત પછી બચાવીને બહાર કાઢ્યો હતો. હાલ આ યુવકને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાંથી પસરા થતી જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં છેલ્લા કેટલાક દિવસોથી કેનાલમાં કૂદકા મારીને આત્મહત્યા કરવાના કેસમાં વધારો થયો છે. પાંચ દિવસ પહેલા રાયપુર કેનાલ પાસે બર્થ ડેની ઉજવણી કરતા અમદાવાદના કૃષ્ણનગરના ચાર મિત્રોની લાશ મળી આવી હતી. એ પછી એક પ્રેમી યુગલે ફરી આ કેનાલમાં ઝંપલાવ્યું હતું. ગાંધીનગરના રાયપુર મેદરા નર્મદા કેનાલ પાસે સવારે એક એક્ટિવા, લેડિઝ જેન્ટસના ચંપલ તથા મોબાઈલ બિન વારસી હાલતમાં મળી આવ્યા હતા. તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે, પુરૂષ અને મહિલા કેનલામાં કૂદી ગયા છે. આ ઘટનાને પગલે ડભોડા પોલીસના જમાદાર મનોજભાઈની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગની મદદથી બંનેને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી.

આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો કેનાલની આસપાસ એકઠા થઈ ગયા હતા. કેનાલમાં ઝંપલાવનાર મહિલાએ બચાવો…બચાવોની બૂમ પાડી હતી. પણ કેનાલ પર હાજર કોઈ વ્યક્તિને તરતા આવડતું ન હોવાથી કોઈએ હિંમત કરી નથી. આ મામલે પોલીસે કહ્યું હતું કે આ કેનાલમાં વાસણીયા મહાદેવ ગામના યુગલ પડ્યા હોવાની વિગત સામે આવી છે. પછી એના પરિવારને કેનાલ પર બોલાવવામાં આવ્યો હતો. મૃતક 34 વર્ષનો પુરૂષ છે અને પરણિત છે. જે કોર્ટમાં બેલિફ તરીકે નોકરી કરતો હતો. જેને ગામની જ એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતા. આ મહિલા પણ પરણિત છે અને બે સંતાનોની માતા છે. એનો પતિ પોલીસ વિભાગમાં નોકરી કરે છે. પીયર લીંબોદરા છે. બંને બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પછી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પરિવારની પૂછપરછ કરવામાં આવી છે. એ પછી વધુ વિગત જાણવા મળશે. જ્યારે ફાયરની ટીમ આ શોધખોળ કરી રહી હતી ત્યારે કેનાલથી થોડે દૂર એક અજાણ્યા યુવાને મોતની છલાંગ મારી હતી. ફાયરની ટીમને આ ઘટનાની જાણ થતા ભારે જહેમત બાદ યુવાનને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. આ યુવાન દેહગામના રાઠોડ વાસણા ગામનો રાહુલ છે. એવું ફાયર વિભાગને જાણવા મળ્યું છે.

