જોધપુર, ગુરુવાર
રાજસ્થાનના બાડમેરમાં એક આરટીઆઈ કાર્યકર્તા 30 વર્ષી અમરારામ ગોદરાની સાથે અમાનવીય અત્યાચારનો મામલો સામે આવ્યો છે. બદમાશોએ પહેલા તેમનું અપહરણ કર્યુ અને બાદમાં તેમના હાથપગ તોડી નાખ્યા. તેના પછી તાલિબાની બર્બરતા કરતા આરટીઆઈ એક્ટિવિસ્ટના પગમાં સળિયા અને ખિલ્લા ઠોંકી દીધા હતા. જણાવવામાં આવે છે કે પીડિતે ગ્રામપંચાયતમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર દારૂના વેચાણની ફરિયાદ કરી હતી.
જોસોડોની બેરીના વતની અમરારામ ગોદરાનો જોધપુરની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.જણાવવામાં આવે છે કે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર દારૂ વેચવાની ફરિયાદ બાદ દબંગોએ તેમનું અપહરણ કર્યું હતું. જોધપુરથી ઘરે પાછા ફરતી વખતે અમરારામને બસમાથી ઉતારીને આઠ જેટલા બુકાનીધારી બદમાશો તેમને ગાડીમાં ઉઠાવીને લઈ ગયા હતા. બાદમાં કોઈ સુમસામ સ્થાન પર લઈ જઈને તેમની સાથે મારપીટ કરી અને તેમના બંને પગને સળિયા મારીને તોડી નાખ્યા હતા. બાદમાં બંને પગમાં 6 સ્થાનો પર સળિયા અને ખિલ્લા ઠોંકી દેવામાં આવ્યા હતા. તેમના પછી તેમનો હાથ પણ તોડી નાખવામાં આવ્યો હતો. ઘણાં કલાકોની યાતના આપ્યા બાદ તેમનું મોત નીપજ્યું હોવાનું માનીને બદમાશોએ તેમને સડક પર જ ફેંકી દીધા હતા.
જો કે કોઈએ સડક પર બેભાન પડેલા શખ્સની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે ઘાયલને સારવાર માટે બાલોતરા ખસેડયા હતા. ગંભીર હાલતને જોતા પ્રાથમિક ઉપચાર બાદ તેમને જોધપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. અહીં તેમણે પોલીસને પોતાની ઓળખ જણાવી હતી. તેમણે જણાવ્યું કે હું જોધપુરથી બસ દ્વારા પોતાના ગામ પહોંચવા પર પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન સ્કોર્પિયોમાં બુકાનીધારીઓ આવ્યા અને મને ઉઠાવીને કોઈ સુમસામ જગ્યા પર લઈ ગયા અઙીં મારામારી કર્યા બાદ સડક કિનારે ફેંકીને ચાલ્યા ગયા. તેમણે પોલીસને જાણકારી આપી છે કે તેમણે થોડાક દિવસો પહેલા દારૂનો ધંધો કરતા બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને ગ્રામ પંચાયત પાસેથી આરટીઆઈ દ્વારા જાણકારી માંગી હતી. પોલીસ અધિક્ષક દીપક ભાર્ગવે કહ્યુ છે કે અધિક પોલીસ અધિક્ષકની દેખરેખમાં આરટીઆઈ કાર્યકર્તાઓનો ઈલાજ કરાવાય રહ્યો છે. શરીરમાં ઘણી ગંભીર ઈજાઓ છે. પોલીસે આરોપીઓની વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ મામલો નોંધીને તેમને ઝડપી પાડવા માટે ચાર ટીમોની રચના કરી છે. પોલીસે ઘણાં પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.

