લુધિયાના, ગુરુવાર
લુધિયાનાની જિલ્લા કોર્ટમાં ગુરુવારે થયેલા વિસ્ફોટને આતંકવાદી હુમલો જ માનવામાં આવી રહ્યો છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ કોઈએ કરી નથી. પરંતુ દિલ્હીથી એનએસજી, નેશનલ બોમ્બ ડેટા સેન્ટર અને ચંદીગઢથી એનઆઈએના બે સદસ્યોની ટીમ લુધિયાના રવાના થઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ મામલામાં પંજાબ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની, ડેપ્યુટી સીએમ સુખજિંદરસિંહ રંધાવા અને પંજાબ પોલીસના ડીજીપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
ગુરુવારે 12.55 વાગ્યાની આસપાસ કોર્ટના ત્રીજા માળ પર થયેલા વિસ્ફોટમાં 2 લોકોના મોત નીપજ્યાના મીડિયા અહેવાલ હતા. આ સિવાય બે મહિલાઓ સહીત કુલ 4 લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટ બાદ પંજાબના સીએમ ચન્ની લુધિયાના જવા માટે રવાના થયા હતા. સિવિલ હોસ્પિટલમાં લુધિયાનાના રાજકોટ ગામના સંદીપ કૌર અને જમાલપુરના શરણજીત કૌર, સીએમસી લુધિયાનામાં પોલીસ કોલોનીના મનીષ કુમારને ભરતી કરવામાં આવ્યા છે. ડીએમસી લુધિયામાં કુલદીપસિંહ માંડ અને કૃષ્ણ ખન્નાને સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે.
જણાવવામાં આવે છે કે વિસ્ફોટ ત્રીજા માળ પર આવેલા વોશરૂમમાં થયો હતો. વોશરૂમમાંથી ક્ષત-વિક્ષત બોડી મળી છે. આશંકા વ્યક્ત કરાય રહી છે કે આ બોડી સુસાઈડ બોમ્બરની છે. સૂત્રો પ્રમાણે, આ કથિત ફિદાઈનનું ધડ અને પગના બ્લાસ્ટમાં ચિથડા ઉડી ગયા છે. ફોરેન્સિક ટીમ લાશની તપાસ કરી રહી છે, જેથી તેની પ્રાથમિકપણે સુસાઈડ બોમ્બર હોવાની પુષ્ટિ કરી શકાય.
પોલીસ કમિશનર ગુરપ્રીતસિંહ ભુલ્લરે જાણકારી આપી છે કે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે જે વ્યક્તિની લાશ મળી છે, તેની પાસે વિસ્ફોટક હતો. જો કે ભુલ્લરે સુસાઈડ બોમ્બરવાળા એન્ગલ પર કંઈ જણાવ્યું નથી. પરંતુ તેમણે એટલું કહ્યુ છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક આ એક્સપ્લોસિવ ઘટનાસ્થળ પર પ્લાન્ટ કરી રહ્યો હતો અને તે વખતે બ્લાસ્ટ થયો છે. હાલ મામલાની ગંભીરતાથી તપાસ થઈ રહી છે.
બ્લાસ્ટમાં આતંકી એન્ગલની તપાસ માટે એનઆઈએની બે સદસ્યોની ટીમ પંજાબ પોલીસની ફોરેન્સિક ટીમ સાથે મળીને વિસ્ફોટની તપાસ કરશે. તપાસમાં એ જોવામાં આવશે કે આ બ્લાસ્ટ વિદેશી શક્તિઓની હરકત તો નથી ને. આ સિવાય ચંદીગઢમાં ફોરેન્સિક ટીમને પણ લુધિયાના મોકલવામાં આવી છે.
લુધિયાનામાં વિસ્ફોટવાળા સ્થાનનું નિરીક્ષણ કર્યા બાદ સીએમ ચરણજીત ચન્નીએ કહ્યુ છે કે પ્રારંભિક તપાસમાં લાગે છે કે મરનારે જ બોમ્બ વિસ્ફોટ કર્યો છે. તેમણે આને વિધાનસભા ચૂંટણીને જોતા અરાજકતા ફેલાવવાની કોશિશ ગણાવી છે. મુખ્યમંત્રી ચન્નીએ કહ્યુ છે કે બ્લાસ્ટની પાછળ કઈ એજન્સી અથવા ગેન્ગ છે, તેના સંદર્ભે તપાસ કરાય રહી છે.
ચન્નીએ કહ્યુ છે કે પંજાબને અસ્થિર કરીને પંજાબીઓને ડરાવાય રહ્યા છે. તેના દ્વારા વોટ લેવાની સાજિશ રચાય રહી છે. આ પ્રકારની ઘટનાથી કોઈ ખુદને બચાવવા માંગે છે, તો તેના પર પણ સરકારની નજર છે. તેમણે કહ્યુ છે કે પોલીસ આ ઘટનાઓનો સામનો કરવા સંપૂર્ણપણે સક્ષમ છે. મુખ્યમંત્રી ચન્નીએ કહ્યુ છે કે જ્યારથી સરકારે નશાની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે, ત્યારથી આવી ઘટનાઓ થઈ રહી છે.
પંજાબના ડેપ્યુટી સીએમ સુખજિંદરસિંહ રંઘાવાએ કહ્યુ છે કે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે આખા રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબની સીમાઓ બીજા દેશની સાથે લાગે છે, માટે વિસ્ફોટમાં વિદેશી શક્તિઓનો હાથ હોવાની પણ સંભાવના છે.
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પણ લુધિયાના કોર્ટમાં થયેલા વિસ્ફોટને ધ્યાન પર લઈને ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે પંજાબ અને હરિયાણાની તમામ કોર્ટમાં સુરક્ષા વધારવા માટે આદેશ કર્યો છે. તેની સાથે જ પંજાબ અને હરિયાણાના પોલીસ અધિકારીઓની બેઠક પણ બોલાવી છે. બાર કાઉન્સિલ ઓફ પંજાબ હાઈકોર્ટે ઘટનાની હાઈલેવલ તપાસ માટે એસઆઈટીની રચનાની માગણી કરી છે. તેની સાથે એસઆઈટીની કમાન કોઈ રિટાયર્ડ જજને આપવાનો આગ્રહ કર્યો છે.
બ્લાસ્ટ સમયે કોર્ટમાં હાજર ક્લાર્ક ગુરુપાલસિંહે કહ્યુ છે કે ફોટો સ્ટેટના મશીનની પાછળ બાથરુમમાં બ્લાસ્ટ થયો છે. ચાર ઘાયલ છે. એક અથવા બેની સ્થિતિ એટલી ગંભીર છે કે તેમના મોત પણ થઈ શકે છે. ત્રણને હું ખુદ નીચે છોડીને આવ્યો છું.
આ વિસ્ફોટ ત્રીજા માળ પર કોર્ટ નંબર-9ની નજીક બાથરૂમમાં થયો. વિસ્ફોટથી કોર્ટની ઈમારત હલી ગઈ હતી. ઈમારતની બારીઓના કાચ તૂટી ગયા અને પાર્કિંગમાં ઉભેલી કારો પણ ક્ષતિગ્રસ્ત થઈ હતી. ઘટનાસ્થળે રહેલા કેટલાક લોકોએ સિલિન્ડર ફાટવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ વિસ્ફોટ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી. કોર્ટમાં દોડધામનો માહોલ હતો. જો કે વકીલોની હડતાલને કારણે સામાન્ય દિવસોની સરખામણીમાં ગુરુવારે ભીડ ઓછી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારી, પ્રશાસનના અધિકારી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે કોર્ટ પરિસરને ચારે તરફથી ઘેરી લીધું છે. શહેરમાં હાઈએલર્ટ જાહેર કરીને નાકાબંધી કરવામાં આવી છે. શહેરમાં આજે મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની પણ એક જાહેરસભાને સંબોધિત કરવા માટે જવાના હતા.

