લંડન, મંગળવાર
બ્રિટનના પહેલા શીખ મહિલા સાંસદ પ્રીત કૌર ગિલે અમૃતસર ખાતેના સ્વર્ણ મંદિરમાં એક વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતારવાના સંદર્ભે કરવામાં આવેલા ટ્વિટને લઈને સોશયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કરવો પડયો તો. તેના પછી બ્રિટિશ સાંસદને પોતાનું ટ્વિટ હટાવવું પડયું.
પ્રીત કૌર ગિલે ટ્વિટમાં સ્વર્ણ મંદિરમાં વ્યક્તિની હત્યા પાછળ એક હિંદુ આતંકવાદીનો હાથ હોવા તરફ ઈશારો કર્યો હતો. બ્રિટિશ ઈમિગ્રેશન અધિકારી હરજાપ ભંગલ દ્વારા સ્વર્ણ મંદિરમાં શનિવારે થયેલી કથિત બેઅદબીની ઘટના સંદર્ભે વીડિયો પર પ્રતિક્રિયા આપતા લેબર પાર્ટીના સાંસદ ગિલે તેમના આ સંદેશ પર સંમતિ વ્યક્ત કરી કે આ સ્પષ્ટપણે એક આતંકવાદી ઘટના હતી.
ગિલે જે ટ્વિટને ટીકા બાદ હટાવ્યું તેમા કહેવામાં આવ્યું હતું કે હિંદુ આતંકવાદીને સ્વર્ણ મંદિરમાં શીખો વિરુદ્ધ હિંસાના કૃત્યથી રોકવામાં આવ્યો. લંડનમાં ભારતીય હાઈકમિશને પણ આ ટ્વિટને વખોડયું હતું. સોશયલ મીડિયા પર પણ ઘણાં લોકોએ ગિલ પર આ મામલાને કોમવાદી રંગ આપવાનો આરોપ લગાવ્યો હતો. શનિવારે સ્વર્ણ મંદિરમાં એક શખ્સની બેઅદબીના આરોપમાં સ્થાનિકોએ માર મારીને હત્યા કરી હતી. સ્થાનિક પોલીસ પ્રમાણે, જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે શખ્સનું મોત નીપજી ચુક્યું હતું અને હવે મામલાની તપાસ થઈ રહી છે.

