કોચ્ચિ, મંગળવાર
કેરળ હાઈકોર્ટે કોરોના વેક્સિનના સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફને હટાવવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી છે. આ સિવાય કોર્ટનો સમય બરબાદ કરવા બદલ કોર્ટે અરજદાર પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આના પહેલા આ મહીને થયેલી સુનાવણી દરમિયાન પણ અરજાદરને સવાલ કર્યો હતો કે વેક્સિન સર્ટિફિકેટમાં વડાપ્રધાનની તસવીરમાં શું ખોટું છે.
કોર્ટે મંગળવારે અરજદારને કહ્યુ કે તે દંડની રકમ આગામી 6 માસની અંદરજમા કરી. એટલું જ નહીં, જો રકમ જમા નહીં કરવામાં આવે, તો કેરળ સ્ટેટ લીગલ સર્વિસિઝ ઓથોરિટી એટલે કે KeLSA અરજદારની મિલ્કતમાંથી આટલી રકમ પ્રાપ્ત કરી શકે છે. કોર્ટે કહ્યું છે કે આ દંડ એટલા માટે ફટકારવામાં આવ્યો છે, જેથી લોકોને ખબર પડી શકે કે આવા પ્રકારની ફાલતૂ અરજીઓ કોર્ટનો સમય બરબાદ કરે છે.
ગત સુનાવણીમાં જસ્ટિસ પી. પી. કુન્હીકૃષ્ણને અરજદારને કહ્યું હતું કે જો કોઈ પૂર્વ વડાપ્રધાનના નામ પર દેશમાં યુનિવર્સિટીનું નામ હોઈ શકે છે, તો વેક્સિન સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીનો ફોટોગ્રાફ હોવામાં શું વાંધો છે? અરજદાર હાલ જવાહરલાલ નહેરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ સાથે કામ કરી રહ્યા છે.
જસ્ટિસ કુન્હીકૃષ્ણને કહ્યુ હતુ કે તે આપણા દેશના વડાપ્રધાન છે, કોઈ વિદેશના નથી. તેમને દેશની જનતાએ ચૂંટયા છે. માત્ર પોતાના રાજકીય મતભેદને કારણે તમે આવા પ્રકારની વસ્તુઓને પડકારી શકો નહીં. તેમણે અરજદારને પુછયું કે તમે તમારા વડાપ્રધાનને લઈને શર્મિંદા કેમ છો? દેશના 100 કરોડ લોકોને આનાથી કોઈ મુશ્કેલી નથી, તો પછી તમને શું પરેશાની છે? જજે કહ્યુ કે તમે કોર્ટનો સમય બરબાદ કરી રહ્યા છો.

