ગાંધીનગર, સોમવાર
રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળ્યો આવ્યો છે અને તેની સાથે સાથે ઓમિક્રોન પણ વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર એક્શનમાં જણાઈ રહી છે. રાત્રિ કરફ્યુમાં સરકારે કોઈ રાહત આપી નથી અને 31ડીસેમ્બર સુધી આઠ શહેરોમાં રાત્રે એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યુ યથાવત રહેશે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના અને ઓમિક્રોનને લઈ સરકાર કોઈ જાેખમ લેવા માગતી નથી. બીજી તરફ જાન્યુઆરીમાં ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે સરકારે કરફ્યુ લંબાવ્યો છે અને કોઈ રાહત આપી નથી.
રાજ્યમાં દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને તેની સાથે સાથે ઓમિક્રોન પણ દેખાયો છે જેના કારણે રાજ્ય સરકાર એક્શનમાં આવી ચૂકી છે. અમદાવાદમાં પણ ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા છે જેના કારણે આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ચૂક્યું છે. રાજ્ય સરકાર હવે કોઈ જાેખમ લેવા માગતી નથી અને તેના કારણે રાત્રિ કરફ્યુમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. ગૃહ વિભાગ દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્વ કરાયું હતું અને રાત્રિ કરફ્યુ ૩૧મી ડીસેમ્બર સુધી રાત્રે ૧ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી યથાવત રહેવાનું જણાવ્યું હતું. સરકાર છૂટછાટ આપશે તેવું જણાતું હતું પણ કોરોના બાદ ઓમિક્રોન વધતાં સરકાર હવે કોઈ જાેખમ લેવા માગતી નથી. રાજ્યમાં ફરીથી કોરોનાએ માથું ઊંચક્યું છે અને અમદાવાદમાં પણ કેસ સામે આવી રહ્યા છે ત્યારે સરકાર હળવાશના મૂડમાં નથી.

