ઘરેલુ બજારમાં ઓમિક્રોન અને એફપીઆઈની નિકાસીનું દબાણ બનેલું છે. તેને કારણે બજારમાં ગત સપ્તાહનો ઘટાડો સોમવારે પણ ચાલુ છે. કારોબાર શરૂ થતા જ સેન્સેક્સ અને નિફઅટી બંને લગભગ 1 ટકા જેટલા તૂટયા હતા.
સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 494 અંક તૂટીને 56517ના સ્તરો ખુલ્યો અને નિફ્ટી 161 અંકના ઘટાડા સાથે 16824 પર ખુલ્યો હતો. થોડા જ સમયગાળામાં સેન્સેક્સે 55840ના સ્તરને સ્પર્શ કર્યો અને 1171 અંક સુધી તૂટયો હતો. તો નિફ્ટીએ પણ થોડીવારમાં કારોબારમાં 350 અંકના ઘટાડા સાથે 16,635 સ્તરને સ્પર્શ્યો હતો. સવારે 10.14 કલાકે સેન્સેક્સ 1271.21 અંકના ઘટાડા સાથે 55740.53ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી સવારે 10.14 કલાકે 385.85ના ઘટાડા સાથે 16599.35ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે બજારમાં ગત સપ્તાહે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 3 ટકા એટલે કે 1774.93 અંક ઘટીને 57011.74 પર બંધ થયો હતો. તો નિફ્ટી પણ 526.1 અંકના ઘટાડા સાથે 16985 પર બંધ થયો હતો. આ સતત બે સપ્તાહની તેજી બાદ આવેલો ઘટાડો છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા મામલા એફપીઆઈની સતત વેચવાલી, ઉચ્ચસ્તર પર થઈ રહેલી નફાવસૂલી જેવા ફેક્ટરો બજારને કમજોર બનાવી રહ્યા છે.
આ મહીને એફપીઆઈ પર હજી સુધી વેચવાલી યથાવત છે. એફપીઆઈએ 26687.46 કરોડ રૂપિયાની ઈક્વિટીનું વેચાણ કર્યું છે. એફપીઆઈએ માત્ર ગત સપ્તાહે જ 10452.27 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. બીજી તરફ ઘરેલું સંસ્થાગત રોકાણકારો ખરીદદાર બનેલા છે. ડીઆઈઆઈએ ગત સપ્તાહે 6341.14 કરોડ રૂપિયા અને આ મહિને અત્યાર સુધીમાં 20041.94 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે.

