પનામા પેપર્સ સાથે જોડાયેલા મામલે ઐશ્વર્યા રાય બચ્ચનને સમન કરવામાં આયા છે. તેમને પૂછપરછ માટે ઈડીએ બોલાવ્યા છે.તેના પછી તેઓ ઈડીના દિલ્હી ખાતેના કાર્યાલયે પૂછપરછ માટે પહોંચ્યા છે. આ મામલામાં તાજેતરમાં જ ઈડીએ ઐશ્વર્યાના પતિ અભિષેક બચ્ચનને પણ સમન કર્યા હતા.
ઐશ્વર્યા રાય બચ્ચને પહેલા બે વખત બોલાવવામાં આવ્યા હતા, પરંતુ બંને વખતે તેમણે નોટિસને સ્થગિત કરવાની વિનંતી કરી હતી. આ વિનંતી પનામા પેપર્સ લીકની પાસ કરી રહેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની સમક્ષ કરવામાં આવી હતી. ઈડીએ ઐશ્વર્યા રાયને ફેમાના મામલામાં સમન કર્યા હતા. આ સમન નવેમ્બરમાં 9મી તારીખે પ્રતીક્ષા એટલે કે બચ્ચન પરિવારના નિવાસસ્થાને મોકલવામાં આવ્યું હતું. 15 દિવસમાં તેનો જવાબ માંગવામાં આવ્યો હતો. ઐશ્વર્યા રાય બચ્ચને ઈમેલ દ્વારા ઈડીને જવાબ આપ્યો હતો. મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીમાં ઈડી, ઈન્કમટેક્સ અને અન્ય એજન્સીઓ સામેલ છે.
પનામા પેપર લીક મામલામાં એક કંપનીના લીગલ દસ્તાવેજ લીક થયા હતા. આ ડેટા જર્મન ન્યૂઝપેપર Süddeutsche Zeitung (SZ)એ પનામા પેપર્સ નામથી 3 એપ્રિલ, 2016ના રોજ રિલીઝ કર્યા હતા. તેમાં ભારત સહીત 200 દેશોના રાજનેતા, બિઝનસમેન, સેલિબ્રિટીના નામ સામેલ હતા. તેમના પર મની લોન્ડ્રિંગનો આરોપ લગાવાયા હતા. તેમાં 1977થી 2015ના આખર સુધીની જાણકારી આપવામાં આવી હતી. આ યાદીમાં 300 ભારતીયોના નામ પણ સામેલ હતા. તેમાં ઐશ્વર્યા રાય બચ્ચન સિવાય અમિતાભ બચ્ચન, અજય દેવગનના નામ પણ સામેલ હતા. દેશના પૂર્વ સોલિસિટર જનરલ અને સુપ્રીમ કોર્ટના વકીલ હરીશ સાલ્વે, ભાગેડું કારોબારી વિજય માલ્યા, મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ઈકબાલ મિર્ચીના નામ પણ આમા સામેલ હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પછી કેન્દ્ર સરકારે આ મામલામાં મલ્ટી એજન્સીની રચના કરી હતી. તેમા સીબીડીટી, આરબીઆઈ, ઈડી,અને એફઆઈયુનો સમાવેશ થાય છે. મલ્ટી એજન્સી ગ્રુપ તમામ નામોની તપાસ કરીને રિપોર્ટ કાળા ધનની તપાસ કરવા માટે બનેલી એસઆઈટી અને કેન્દ્ર સરકારને આપી રહી હતી.

