નવી દિલ્હી, સોમવાર
ચૂંટણી કાયદા સંશોધન વિધેયક , 2021ને સોમવારે લોકસભામાં મંજૂરી મળી છે. બિલમાં વોટર લિસ્ટમાં પુનરાવર્તન અને નકલી મતદાન રોકવા માટે વોટર આઈડી અને લિસ્ટને આધાર કાર્ડ સાથે જોડવાની જોગવાઈ છે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત સપ્તાહે બુધવારે ચૂંટણી સુધારા સાથે જોડાયેલા આ બિલનો મુસદ્દો મંજૂર કર્યો હતો.
કાયદા મંત્રી કિરણ રિજિજૂએ બિલને લોકસભામાં રજૂ કર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે સદસ્યોએ આના વિરોધને લઈને જે તર્ક આપ્યા, તે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ બિલ સુપ્રીમ કોર્ટના ચુકાદ મુજબ જ છે. લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા શશી થરુરે કહ્યુ હતુ કે આધાર એક 12 અંકની વિશિષ્ટ ઓળખ સંખ્યા છે, તેમાં નાગરિકોની બાયોમેટ્રિક અને જનસાંખ્યિકીય જાણકારી સામેલ છે. આધાર માત્ર નિવાસનું પ્રમાણ હોવું જોઈએ, તે નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં. તેમણે કહ્યુ છે કે જો તમે વોટર્સ પાસેથી જો આધાર માંગી રહ્યા છો, તો તમને માત્ર એક દસ્તાવેજ મળશે, જે નાગરિકતા નથી, પણ માત્ર તેમનો નિવાસ જણાવે છે. આમ કરીને તમે સંભવિત રીતે બિનનાગરિકોને પણ મતદાનનો અધિકાર આપી રહ્યા છો.

