શ્રીનગર, રવિવાર
શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં લશ્કરે તૈયબાનો એક આતંકી ઠાર થયો છે. અધિકારી પ્રમાણે, પોલીસ તરફથી મળેલી વિશેષ જાણકારી પર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે હરવાન વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શરૂઆતની તપાસમાં જાણકારી મળી છે કે ઠાર થયેલો આતંકી વિદેશી હોવાનું લાગી રહ્યું છે. જો કે માર્યા ગયેલા આતંકીની ઓળખ બાબતે હજી પુરી જાણકારી સ્પષ્ટ થઈ શકી નથી.
કાશ્મીર ઝોન પોલીસે આના સંદર્ભે ટ્વિટ કરીને જાણકારી આપી છે. સુરક્ષાદળોએ એક ઈનપુટના આધારે આ વિસ્તારમાં તલાશી અભિયાન ચલાવ્યું હતું. અથડામણની શરૂઆત આજે સવારે થઈ હતી અને થોડાક સમયગાળામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. આતંકીની ઓળખ માટેની કોશિશ થઈ રહી છે અને તેની સાથે જ આખા વિસ્તારમાં સાવધાની પણ રખાય રહી છે.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ લશ્કરે તૈયબાના બે આતંકીઓને ઠાર કર્યા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગઝીન, પિસ્તોલની સાત ગોળીઓ અને એક ગ્રેનેડ સહીત અન્ય વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરી હતી. બુધવારે રાત્રે કુલગામ જિલ્લાના રેડવની ગામમાં આતંકી હોવાના ઈનપુટ્સ મળ્યા હતા. તેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરતા એસઓઝીએ સેનાની એક રાષ્ટ્રીય રાઈફલ્સ અને 188મી સીઆરપીએફની બટાલિયનના જવાનો સાથે મળીને ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
પોલીસ મુજબ, અહીં ઠાર થયેલા બંને આતંકીઓની ઓળખ કુજ્જર ફ્રિસલના આમિર બશીર ડાર અને સુરસનો હટિપોરાના આદિલ યુસૂફ તરીકે થઈ છે. પોલીસ રેકોર્ડ પ્રમાણે, લશ્કરે તૈયબાના બંને દહેશતગર્દ ઘણી આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા. જેમાં સુરક્ષાદળો પર હુમલો અને સ્થાનિક લોકો પર જુલ્મ ગુજારવા જેવી ઘટનાઓ સામેલ છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે સુરક્ષાદળો દ્વારા સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવા અને ઓપરેશનને પ્રોફેશનલ ઢહે પાર પાડવા માટે તેમને અભિનંદન આપ્યા છે. કહ્યું છે કે સૌથી મોટી વાત એ રહી છે કે ઓપરેસનમાં કોઈપણ જાનહાનિના અહેવાલ નથી. આ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.

