નવી દિલ્હી, શનિવાર
પાકિસ્તાનના કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબમાં શ્રદ્ધાળુઓને સિગરેટ પેકેજિંગ મટીરિયલથી બનેલા ડિસ્પોઝેબલ પેપર પ્લેટમાં પ્રસાદ આપવાનો આરોપ લગાવાયો છે. તેના પછી જુદાંજુદાં સ્થાનોથી કરતારપુર સાહિબ જનારા શીખ શ્રદ્ધાળુઓમાં રોષ છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં શીખોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડાય રહી છે.
જે પ્લેટોમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ અપાય રહ્યો છે, તેમાં કથિતપણે એક તરફ કરતારપુર તીર્થસ્થાનની તસવીરો છે અને બીજી તરફ સિગરેટ બ્રાન્ડ ગોલ્ડ સ્ટ્રીટની તસવીરો છે. જાણકારી પ્રમાણે, કેટલાક શ્રદ્ધાળુઓ જે કરતારપુર પહોંચ્યા હતા, તેમના તરફથી આ મુદ્દો ઉઠાવાયો હતો. પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધન કમિટીના અધ્યક્ષ અમીર સિંહે કહ્યુ છે કે આ મામલો ત્રણ દિવસ પહેલા તેમના ધ્યાનમાં લાવવામાં આવ્યો હતો. જો કે તેમણે એમ કહીને તેને ટાળવાની કોશિશ કરી હતી કે આ કેટલાક એવા બદમાશોની શરારત છે, જે ક્યારેય ઈચ્છતા ન હતા કે કરતારપુર કોરિડોરને ફરીથી ખોલવામાં આવે.
PSGPC તરફથી સ્પષ્ટીકરણ અપાયું છે કે અમે ક્યારેય પ્રસાદ વહેંચવા માટે આવા કોઈ પેકેજિંગ મટીરિયલનો ઉપયોગ કર્યો નથી. અમે મામલાની તપાસ કરી છે. તેના આધારે અમે એ કહી શકીએ છીએ કે કેટલાક અસામાજીક તત્વો ઈચ્છતા ન હતા કે કરતારપુર કોરિડોર શરૂ થાય, તેના માટે તેમણે આ શરારત કરી છે. તેમણે કહ્યુ છે કે પિન્ની પ્રસાદને પીએસજીપીસી તરફથી સાદી બેગોમાં પેક કરીને વહેંચવામાં આવે છે. બીજી તરફ એસજીપીસીના અધ્યક્ષ હરજિંદરસિંહ ધામીએ કહ્યુ છે કે જો આ સાચું છે, તો ચોંકાવનારું છે. તેમણે કહ્યુ છે કે અમે આ મામલાને પીએસજીપીસી અને પાકિસ્તાનના અધિકારીઓ સમક્ષ ઉઠાવીશું. અમે તેમને મામલાની તપાસ કરીને દોષિતોને પકડવા માટે કહીશું.
દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પૂર્વ અધ્યક્ષ અને હવે ભાજપના નેતા મનજિંદરસિંહ સિરસાએ પણ ઘટનાને ધ્યાન પર લીધખી છે. તેમણે દાવો કર્યો છે કે એક શ્રદ્ધાળુએ આ પ્રકારની પ્લેટમાં પ્રસાદ હોવાનું જોઈને પોતાના મોબાઈલ ફોનથી તેની તસવીર ખેંચી લીધી હતી. તેમણે કહ્યુ છે કે આહરકતે પાકિસ્તાનના અધિકારીઓના નાપાક મનસૂબાઓનો પર્દાફાશ કર્યો છે. તેઓ લઘુમતીઓને દબાવવા અને તેમના અપમાન પર ઉતારું છે. આ હેરાન કરનારી વાત છે કે પવિત્ર શીખ ધર્મસ્થાન પર પ્રસાદ માટે પ્લેટ બનાવવામાં સિગરેટના પેકેજિંગ મટીરિયલનો ઉપયોગ કેવી રીતે કરાય રહ્યો છે. સિરસાએ કહ્યુ છે કે આ પહેલા એક પાકિસ્તાની મોડલે કરતારપુર ગુરુદ્વારા પરિસરમાં વાંધાજનક ફોટોશૂટ કરાવીને તેની પવિત્રતાને બદનામ કરવાની કોશિશ કરી હતી.

