ગાંધીનગર,શનિવાર
હેડ ક્લાર્કની પરિક્ષાનું પેપર લીક થયાનું હવે ગુજરાત સરકારે સ્વીકાર્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ પેપર લીક કેસમાં સંડોવાયેલા 11 સામે હાલમાં પ્રાંતિજમાં ગુનો નોંધાયો છે. આ કાંડમાં જેટલા સંડોવાયેલા હશે તે તમામ સામે ગુજસીટોકના કાયદા હેઠળની કલમો લગાવાશે. ગૌણ સેવા પસંદગી સમિતિના અધ્યક્ષ અસિત વોરા સામે આ કેસને બહાર લાવનારા આપના નેતા યુવરાજ જાડેજા શંકાની સોય તાકી રહ્યા છે. હવે ગુજરાત પોલીસ અસિત વોરાની પણ ઊલટ તપાસ કરવા જઇ રહી છે.
આ કેસમાં પોલીસે છ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને અત્યાર સુધીમાં 11 લોકો સામે મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. આ મામલે સંઘવીએ કહ્યું કે, આખા દેશમાં ક્યારેય પેપર લીક કરવાના ષડયંત્રમાં સંકળાયેલાં લોકો સામે ક્યારેય ન લેવાયેલાં પગલાં આગામી દિવસોમાં આ કેસમાં લેવા જઇ રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે આપણી પાસેના સૌથી મજબૂત કાયદા ગુજસીટોકનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેની ચર્ચા ચાલુ છે. ટૂંક સમયમાં આ કેસમાં આ કલમો ઉમેરાશે. ભવિષ્યમાં કોઇ આવી હિંમત ન કરે તેવો દાખલો બેસાડવા અમે આમ કરી રહ્યાં છીએ.
સરકાર વતી સંઘવીએ જણાવ્યું કે આ કેસના સૂત્રધાર તરીકે સરકારમાં રહેલાં કે પરીક્ષા લેનારાં જે કોઇ વ્યક્તિ સંકળાયેલાં હશે તેમની સામે પણ તપાસ કરાશે. સરકાર આ પરીક્ષા રદ કરવા મામલે ટૂંક સમયમાં બેઠક બોલાવી જાહેરાત કરશે એમ પણ એમણે જણાવ્યું હતું. આ પેપરલીક કાંડમાં પ્રશ્નપત્ર પ્રેસમાંથી બહાર લાવી આપનાર વ્યક્તિ સરકારી છે અને તે હજુ પોલીસની પહોંચથી બહાર છે.
પરીક્ષા સાથે સંકળાયેલાં તમામ લોકો વિરુદ્ધ તપાસ કરાશે, તેમાં જો પોલીસ હોય, પેપર લઇ જનારાં, પેપર સેટર, પેપર છાપનારાં કે પરીક્ષા લેનારી સંસ્થાની કોઇ વ્યક્તિ હોય તેની વિરુદ્ધ અમારી તપાસ ચાલુ છે, કોઇ શંકાના દાયરાથી બહાર નથી. તમામ આરોપીઓ વિરૂધ્ધ હાલમાં વિશ્વાસઘાતની આઇપીસી 406,409 અને 420 અને 120-બી ધારાઓ લગાવાઇ છે. જેમાં આઇપીસી 406 માં મહત્તમ 3 વર્ષ આઇપીસી 409માં મહત્તમ 10 વર્ષથી આજીવન કારાવાસ અને દંડ તથા આઇપીસી 420 માં મહત્તમ 7 વર્ષ અને દંડની જોગવાઇ છે.

