બેંગલુરુ, શુક્રવાર
કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર અને હાલ કોંગ્રેસના ધારાસભ્ય કે. આર. રમેશ કુમારે મહિલાઓનેલઈને બેહદ વાંધાજનક અને અસંવેદનશીલ ટીપ્પણી કરી છે. તેમણે કર્ણાટક વિધાનસભામાં કહ્યુ છે કે જ્યારે બળાત્કારને રોકી શકાતો નથી તો સુવો અને મજા લો. આશ્ચર્યજનક વાત એ છે કે કોંગ્રેસના ધારાસભ્ય રમેશકુમારની આ વાંધાજનક ટીપ્પણી પર વિધાનસભાના સ્પીકર વિશ્વેશ્વર હેગડે કાગેરીએ વાંધો વ્યક્ત કરવાના સ્થાને તેના પર હસવા લાગ્યા હતા.
કર્ણાટકમાં આવેલા પૂર અને તેનાથી પાકને થયેલા નુકસાનને લઈને ધારાસભ્યો ચર્ચાની માગણી કરી રહ્યા હતા. વિધાનસભામાં આને લઈને જોરદાર હંગામો થઈ રહ્યો હતો. સ્પીકરે ધારાસભ્યોને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ હંગામો શાંત થયો ન હતો. તેના પછી સ્પીકર હેગડેએ કહ્યુ કે રમેશ કુમાર તમે જાણો છો, હવે મને લાગી રહ્યું છે કે મારે આ સ્થિતિને એન્જોય કરવી જોઈએ. મે નક્કી કર્યું છે કે હવે કોઈને પણ રોકવા અને સ્થિતિને સંભાળવાની કોશિશ નહીં કરું. તમે લોકો ચર્ચા કરો.
આના પર કોંગ્રેસના ધારાસભ્ય રમેશકુમારે કહ્યુ કે એક જૂની કહેવત છે, જ્યારે બળાત્કારને રોકી શકાય નહીં, તો સુવો અને મજા લો. હાલ તમારી સ્થિતિ બિલકુલ આવી જ થઈ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય રમેશકુમાર આ વિવાદીત ટીપ્પણીને લઈને ખરાબ રીતે ઘેરાયા છે. તેમની જ પાર્ટીના મહિલા ધારાસભ્યોએ તેમની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અંજલી નિમ્બાલકરે સોશયલ મીડિયા પર આનો વીડિયો શેયર કરતા ગૃહમાં મહિલાઓની માફીની માગણી કરી છે. અન્ય એક કોંગ્રેસી ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ પણ કહ્યુ છે કે આ યોગ્ય નથી. માફી માંગવાની જરૂરત છે.
કર્ણાટક કોંગ્રેસના પ્રવક્તા ડૉ. કવિતા રેડ્ડીએ પણ આના પર વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર રમેશકુમાર અને હાલના સ્પીકર વિશ્વેશ્વર હેગડેનું મહિલા વિરોધી વલણ સ્વીકારી શકાય નહીં. તેમણે કહ્યું છે કે બંનેએ રાજનીતિ છોડી દેવી જોઈએ.
આ ટીપ્પણી પર એક્ટિવિસ્ટ બૃંદા અડિગે કહ્યું છે કે વિધાનસભામાં આવી વાતો કેટલી શરમજનક છે. જ્યાં મહિલા વોટરોએ જ તેમને મોકલ્યા છે. શું તે નથી જાણતા કે બળાત્કાર મહિલાઓની વિરુદ્ધ સૌથી જઘન્ય ક્રૂર અને હિંસક ગુનો છે? કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સમક્ષ અમારી માગણી છે કે ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમને ટિકિટ આપવામાં આવે નહીં, જેથી તેઓ ચૂંટણીમાં ઉભા રહી શકે નહીં. લોકશાહીમાં આ બધું સ્વીકાર્ય નથી.
આ પહેલીવાર નથી કે જ્યારે રમેશકુમારે આટલી અસંવેદનશીલ ટીપ્પણી કરી છે. ફેબ્રુઆરી-2019માં જ્યારે રમેશકુમાર વિધાનસભાના અધ્યક્ષ હતા, ત્યારે તેમણે કહ્યુ હતુ કે તેઓ રેપ વિક્ટિમ જેવું મહેસૂસ કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે મારી સ્થિતિ એક બળાત્કાર પીડિતા જેવી થઈ ગઈ છે. બળાત્કાર એકવાર થાય છે. બળાત્કાર એકવાર થાય છે. જો તમે તેને ત્યાં છોડી દીધું તો આ ત્યાં જ વીતી જાય છે. પરંતુ જ્યારે તમે ફરિયાદ કરો છો કે તમારી સાથે બળાત્કાર થયો છે, તો આરોપીને જેલમાં નાખી દેવામાં આવે છે. તેના વકીલ પુછે છે કે આ કેવી રીતે થયું ? ક્યારે થયું અને કેટલીવાર થયું ? દુષ્કર્મ એકવાર થાય છે, પરંતુ કોર્ટમાં તે 100 વખત થાય છે. આવી જ મારી સ્થિતિ છે.

