અમદાવાદ,શુક્રવાર
હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ પેપર લીક થયું હોવાની કબૂલાત કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે.જેમાં અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારના મહેશ પટેલ, હિંમતનગરના પ્રાંતિજના ચિંતન પટેલ, હિંમતનગરના ધ્રુવ બ્રારોટ, દર્શન વ્યાસ, સુરેશ પટેલ તેમજ હિંમતનગરના કાણયોલના કુલદીપ પટેલની ધરપકડ કરાઈ છે. ગુનામાં પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો. આ કાંડમાં મુખ્ય આરોપી તરીકે 10 વ્યક્તિઓ છે. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક નથી અપાઈ. 24 થી વધારે પોલીસની ટીમો આ કેસમાં કાર્યરત હતી.
પેપર લીક કેસમાં એક બાદ એક નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. પેપર લીકની સરકારની કબુલાત બાદ ખુલ્યું છેકે પેપર ફુંટયા બાદ એક-એક પેપરને 10થી 15 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. અને, આ પેપરો 4 જગ્યાએ સોલ્વ કરાવવામાં આવ્યા હતા. બીજી તરફ આ કેસમાં કુલ 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અને, આ કેસમાં અમદાવાદ કનેક્શન ખુલ્યું છે.અમદાવાદના ન્યુ રાણીપના એક આરોપીનો પણ એફઆઇઆરની ફરિયાદમાં ઉલ્લેખ છે.
નોંધનીય છેકે એફઆઇઆરમાં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ છે. જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં કોઇની મિલીભગતથી આ પેપર ફોડયું હતું. અને, પરીક્ષાના એક દિવસ પહેલા જ કૌભાંડીઓ પાસે પેપર પહોંચી ગયા હતા. તો આરોપી ધ્રુવ બારોટે પણ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. તો એ પણ સામે આવ્યું છેકે આરોપી દેવલ પટેલના ઘરે પેપરને પહેલા સોલ્વ કરવામાં આવ્યું હતું. અને, દેવલ પટેલને તેના સસરા મહેન્દ્રભાઇ પટેલ દ્વારા આ પેપર મળ્યું હતું. કુલ ચારથી પાંચ આરોપીઓએ પેપર સોલ્વ કર્યું હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે.પેપરલીક કરનારા લોકોને કડકમાં કડક સજા કરાશે, ગુનાના મુળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે. પહેલાં ક્યારેય પગલાં ના લેવાયા હોય તેવા પગલાં આ કેસમાં લેવાશે. એવી કાર્યવાહી કરાશે કે ભવિષ્યમાં કોઈ ફરીવાર પેપર લીક કરવાની કોશિષના કરે. ગુનાગારો વિરુદ્ધ વધુમાં વધુ કલમો ઉમેરાશે. કેસના મુળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તેના પર નિર્ણય લેવાશે.
એફઆઇઆરમાં આરોપી તરીકે આ 10 નામોનો ઉલ્લેખ થયો છે
1) જયેશભાઇ પટેલ, ઉંછા-પ્રાંતિજ 2) જશવંતભાઇ પટેલ, ઉંછા-પ્રાંતિજ 3) દેવલભાઇ પટેલ, ઉંછા-પ્રાંતિજ 4) ધ્રુવ ભરતભાઇ બારોટ, વિરાટનગર-હિંમતનગર 5) મહેશકુમાર પટેલ, રાણીપ-અમદાવાદ 6) ચિંતન પટેલ, વદરાડ-પ્રાંતિજ 7) કુલદીપકુમાર પટેલ, કાણીયોલ-હિંમતનગર 8) દર્શન વ્યાસ, મહાવીરનગર-હિંમતનગર 9) સતિષ ઉર્ફે હેપ્પી પટેલ, પાટના કુવા-તલોદ, સાબરકાંઠા 10) મહેન્દ્રભાઇ પટેલ, પોગલુ-હિંમતનગર.

