નવી દિલ્હી, ગુરુવાર
વેસ્ટ ઈન્ડિઝ ટીમના ત્રણ ખેલાડીઓ અને બે સપોર્ટ સ્ટાફના કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ વર્તમાન પાકિસ્તાન પ્રવાસ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. વિકેટકીપર શાઈ હોપ, ડાબોડી સ્પિનર અકીલ હુસૈન અને ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા નવીનતમ પરીક્ષણોમાં સંક્રમિત જોવા મળ્યા હતા. આસિસ્ટન્ટ કોચ રોડી એસ્ટવિક અને ટીમના ડોક્ટર અક્ષય માનસિંહ પણ પોઝિટિવ મળી આવ્યા છે.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્રણેય ખેલાડીઓ આગામી મેચ રમી શકશે નહીં અને પાંચ વ્યક્તિઓ આઈસોલેશનમાં રહેશે.તેમની સંભાળ મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવશે. તેઓએ 10 દિવસ અથવા RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે ત્યાં સુધી આઈસોલેશનમાં રહેવું પડશે. હવે વેસ્ટ ઈન્ડિઝના છ ખેલાડીઓ કોરોના ચેપનો શિકાર બન્યા છે, જ્યારે ડેવોન થોમસ આંગળીમાં ઈજાના કારણે બહાર થઈ ગયા છે. વર્તમાન શ્રેણીના ભાવિ અંગે નિર્ણય લેવા માટે બંને બોર્ડના અધિકારીઓ ગુરુવારે બેઠક કરશે. પાકિસ્તાને ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી મેચ ગુરુવારે છે, ત્યારબાદ વનડે શ્રેણી રમાશે. આ પહેલા ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલ અને ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝ અને કાયલ માયર્સ પણ કોરોના સંક્રમણને કારણે T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા.

