નવી દિલ્હી, ગુરુવાર
વિજય દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેશનલ વોર મેમોરિયલ પર સ્વર્ણિમ વિજય મશાલના સમ્માન સમારંભમાં ભાગ લીધો હતો. સમ્માન સમારંભમાં પહોંચીને વડાપ્રધાન મોદીએ યુદ્ધિમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે આ દરમિયાન ચાર મશાલોને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રજ્વલિત મશાલ સાથે મિલાવી હતી. મહત્વપૂર્ણ છે કે આ મશાલોને દેશભરમાં ફેરવવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર વિઝિટર્સ બુક પર હસ્તાક્ષર કર્યા. તેમણે કહ્યુ કે આખા દેશ તરફથીહું 1971ના યુદ્ધના યોદ્ધાઓને સલામ કરું છું. નાગરિકોને આ વીર યોદ્ધાઓ પર ગર્વ છે. જેમણે વીરતાની અનોખી દાસ્તાન લખી, 1971ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં શહાદત આપનારા ભારતીય સશસ્ત્ર દળોના જવાનોના પરાક્રમ અને બલિદાનને યાદ કરતા વડાપ્રધાન મોદીએ ટ્વિટકરીને જણાવ્યું હતું કે 50મા વિજય દિવસપર હું મુક્તિયોદ્ધાઓ, વીરાંગનાઓ અને ભારતીય સશસ્ત્રદળોના વીર જવાનોની વીરતા અને બલિદાનને યાદ કરું છું. સાથે મળીને આપણે દમકારી શક્તિઓ સામે લડાઈ લડી અને વિજય પ્રાપ્ત કર્યો. ઢાકામાં રાષ્ટ્રપતિજીની ઉપસ્થિતિ પ્રત્યેક ભારતીય માટે વિશેષ મહત્વ ધરાવે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ વિજય દિવસના પ્રસંગે સ્વર્ણિમ મશાલના સમ્માન સમારંભમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરી હતી. સંરક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે સ્વર્ણિમ વિજય દિવસના પ્રસંગે આપણે 1971ના યુદ્ધ દરમિયાન આપણા સશસ્ત્રદળોના સાહસ અને બલિદાનને યાદ કરીએ છીએ.1971નું યુદ્ધ ભારતના સૈન્ય ઈતિહાસનો સ્વર્ણિમ અધ્યાય છે. આપણને આપણા સશસ્ત્ર દળો અને તેની સિદ્ધિઓ પર ગર્વ છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 50મા વિજય દિવસ પર આયોજીત સમારંભોમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશ ગયા છે. 1971માં આજના દિવસે પૂર્વ પાકિસ્તાનના ચીફ માર્શલ લૉ એડમિનિસ્ટ્રેટર લેફ્ટિનેન્ટ જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાજી અને પૂર્વ પાકિસ્તાનમાં રહેલા પાકિસ્તાની સેનાના કમાન્ડરે બાંગ્લાદેશની રચના માટે ઈન્સ્ટ્રૂમેન્ટ ઓફ સરન્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. નિયાજીએ ઢાકામાં ભારતીય અને બાંગ્લાદેશના દળોનું પ્રતિનિધિત્વ કરી રહેલા લેફ્ટિનેન્ટ જનરલ જગજીતસિંહ અરોરાની હાજરીમાં આના પર હસ્તાક્ષર કર્યા હતા. 1971માં 9 માસના તણાવ અને 13 દિવસના યુદ્ધ બાદ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું.

