અમદાવાદ, ગુરુવાર
કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી તે અંગેના રૂ.1.50 કરોડના બિલ મંજૂર કરાવવાના બદલમાં 10 ટકા લાંચ માગવાના કેસમાં છેલ્લા એક વર્ષથી કાનૂની દાવપેચ રમીને થાકેલા મ્યુનિ.ના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.અરવિંદ પટેલ એસીબી કોર્ટમાં સરેન્ડર થયા હતાં. કોર્ટના આદેશ બાદ એસીબીએ આરોપીની ધરપકડ કરી અને ગુરુવારે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરશે.
સિમ્સ હોસ્પિટલે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા થયેલા એમઓયુ મુજબ સરકારના રેફરન્સથી કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી હતી, જે પેટે રૂ.1.50 કરોડના બિલો પાસ કરાવવા એએમસીના હેલ્થ વિભાગના ડેપ્યુટી ઓફિસર સમક્ષ રજૂ કર્યાં હતાં, જે બિલો પાસ કરાવવા માટે આદિત્ય હોસ્પિટલના ડો. નરેશ મલ્હોત્રાએ ડેપ્યુટી હેલ્થ ઓફિસર વતી 10 ટકા લાંચની રકમ માગી હતી. આથી ડો.ધવલ પટેલે એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ગુનામાં એસીબી ધરપકડ ન કરે તે માટે ડો.અરવિંદકુમાર પટેલે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે નામંજૂર થઇ હતી. આથી તેમણે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે તેમણે 8 ડિસેમ્બરે પરત ખેંચી હતી.બુધવારે સાંજે આરોપી ડો. અરવિંદકુમાર પટેલ એસીબી કોર્ટમાં સરન્ડર થયા હતા. તેમના એડવોકેટે રજૂઆત કરી હતી કે, ‘આ ગુનાના મુખ્ય આરોપી ડો.નરેશ મલ્હોત્રાની એસીબીએ ધરપકડ કરેલી છે, જેમાં તેમને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. પોલીસ ખોટી રીતે અટક કરે તેવી ભીતિ હતી એટલે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે જામીન અરજી પરત ખેંચી એક અઠવાડિયામાં કોર્ટમાં સરન્ડર થવાનો સમય માગ્યો હતો. આથી કોર્ટમાં સરન્ડર થયા છીએ.’ કોર્ટે આ અંગે એસીબીને જાણ કરી બોલાવ્યા હતાં. (તસ્વીર પ્રતિકાત્મક છે)

