ગાંધીનગર, ગુરૂવાર
રાજ્યમાં દુષ્કર્મના આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે કોર્ટો દ્વારા અસરકારક કામગીરી કરીને ટૂંકા સમયમાં સજા ફરમાવવામાં આવી રહી છે. અગાઉ સુરતમાં જ અઢી વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપીને ફાંસીની સજાનું એલાન કરાયું હતું. હવે ફરીથી સુરતની પાંડેસરાની 10 વર્ષીય બાળા ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. 7મી ડીસેમ્બર-2020માં આ બનાવ બન્યો હતો અને આરોપી બાળાને વડાપાઉં અપાવું છે તેમ કહીને લઈ ગયો હતો અને બાદમાં અવાવરૂ જગ્યાએ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં બાળાના માથાના ભાગે ઈંટ ફટકારી નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. પોલીસે માત્ર ૧૫ દિવસમાં પૂરાવા એકઠા કરીને 232 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. બાળાના શરીર ઉપર 49 ઈજાના નિશાન મળી આવ્યા હતા.
રાજ્યમાં મહિલાઓ અને બાળાઓ ઉપર સતત શારીરિક શોષણના કેસ વધી રહ્યા છે ત્યારે કોર્ટ દ્વારા પણ અસરકારક કામગીરી કરીને આરોપીઓને ઝડપી સજા કરવામાં આવી રહી છે. અગાઉ સુરતમાં જ અઢી વર્ષની બાળાના દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. આજે સુરતની સેશન્સ કોર્ટે વધુ એક દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજાનો હૂકમ કર્યો છે. 2020માં 10 વર્ષીય બાળા તેના ઘરે હતી ત્યારે આરોપી દશરથ બૈસાણે વડાપાઉં અપાવું છે તેમ કહી બાળાનું અપહરણ કર્યું હતું અને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં બાળાના માથામાં ઈંટ ફટકારી તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને આરોપીને પકડી લીધો હતો. પોલીસે માત્ર 15 દિવસમાં તમામ પૂરાવા એકઠા કર્યા હતા અને ૨૩૨ પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું હતું અને બાદમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફરમાવી હતી. બાળાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શરીર ઉપર 49 ઈજાના નિશાન મળી આવ્યા હતા. સમાજમાં દાખલો બેસાડવા માટે સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હૂકમ કર્યો હતો. આરોપીના મોબાઈલમાંથી અશ્લિલ વીડિયો પણ મળી આવ્યા હતા અને પોલીસે હાર્ડ ડિસ્ક આપતા ત્રણ દુકાનદારોની ધરપકડ પણ કરી હતી.

