ગાંધીનગર, ગુરુવાર
ગુજરાતમાં પેપરલીક થવાની બાબતો હવે સામાન્ય બની ગઈ છે. કારણ કે, અહીં ભાગ્યે જ કોઈ પરીક્ષા પારદર્શિતા સાથે લેવામાં આવે છે. મોટા ભાગની પરીક્ષાઓ પહેલા પેપરના લાખો રૂપિયાના સોદા થઈ જાય છે. પરીક્ષા સમયે જ પેપર ફૂટી પણ જાય છે. જેના કારણે લાખો યુવાનોની મહેનત પાણીમાં જતી રહે છે. આવું જ ફરી એક વખત થઈ રહ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કની પરીક્ષામાં થઈ રહ્યું છે. પરીક્ષા પહેલા પેપર લીક થયાના પુરાવા રજૂ થયા બાદ હાલ તંત્ર કાર્યવાહીના મૂડમાં આવી છે. હેડ ક્લાર્કના પેપરલીક કેસમાં મોટો ખુલાસો થયો છે. જયેશ ઉર્ફે મુકેશ પટેલની પેપરલીક કેસમાં સંડોવણી સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જયેશ પટેલે પેપર ફોડ્યુ હતું. જયેશ સામે પ્રાંતિજ પોલીસમાં એક ફરિયાદ નોંધાયેલી છે.
પેપરલીક કૌભાંડમાં દેવલ પટેલ નામના શખ્સનું નામ પણ બહાર આવ્યું છે. દેવલ પટેલ જયેશ પટેલનો ભત્રીજો છે. આમ કાકા-ભત્રીજા બંને હાલમાં સંપર્ક બહાર છે. એવી સંભવના દર્શાવવામાં આવી રહી છે કે, પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાઇ શકે છે. પેપર લીકની ફરિયાદ આજે દાખલ થઇ શકે છે. ગૌણ સેવા પસંદગી મંડળ ફરિયાદી બનશે. 80 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આજે હેડ કલાર્ક ભરતી પેપર લીક મામલે આંદોલનકારી યુવરાજસિંહે GSSSBના અધ્યક્ષ અસિત વોરાને સચિવ, ઉપસચિવની હાજરીમાં પુરાવા સોંપ્યા છે. સાથે GSSSB આ લીક મામલે પોતે ફરિયાદી બનશે તેવુ આશ્વાસન આપ્યું છે. આ મામલે યુવરાજે વધુમાં જણાવ્યું કે બીજા કેટલાક સંવેદનશીલ પુરાવાઓ પણ સોંપવામાં આવશે. જે ફક્ત ગૃહરાજ્ય મંત્રીને જ આપવા માગીએ છીએ. સરકાર અને ગૌણ સેવા મંડળ આ મામલે ફરિયાદી નહીં બને તો અમે હાઈકોર્ટમાં જઈશું. સરકારને આ મામલે એક્શન લેવા માટે 78 કલાકનુ અલ્ટીમેટમ આપીએ છીએ. યુવરાજસિંહે કહ્યું કે, સોશિયલ મીડિયા સહિતના પુરાવા રજૂ કરીશું. અમે ગૃહ રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીશું. ગોપનિય પુરાવા ગૃહરાજ્યમંત્રીને આપીશું.

