ગાંધીનગર, મંગળવાર
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ જાેઈએ તેટલો દારૂ મળી રહે છે તે વાસ્તવિક્તા છે અને તેનાથી સૌ કોઈ પરિચિત છે. ગુજરાતની અન્ય રાજ્યો સાથેની બોર્ડરો ઉપર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ ગુજરાતમાં વિદેશી દારૂ પુષ્કળ પ્રમાણમાં આવે છે અને કઈ રીતે આવે છે તે પોલીસ માટે તપાસનો વિષય છે. ગુજરાતમાં દારૂબંધીને લઈ રાજકારણ ગરમાયું છે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, રાજ્યમાં ગેરકાયદે ધૂમ દારૂ વેચાય છે, જાેઈએ તેટલો દારૂ મળી રહે છે, રાજ્યમાં દારૂબંધી હટાવી દેવામાં આવે તો સરકારને ટેક્સરૂપી ફાયદો મળી શકે તેમ છે. કોંગ્રેસના આ પ્રહાર સામે ભાજપે પલટવાર કર્યો હતો અને કહ્યું કે, ગાંધીના ગુજરાતમાં ભાજપની સરકાર ક્યારેય દારૂબંધી હટાવશે નહી. ભરતસિંહના સમર્થનમાં અન્ય કોંગ્રેસી નેતાઓ મેદાનમાં આવ્યા હતા અને શૈલેષ પરમાર, અર્જુન મોઢવાડિયા અને જશુ પટેલે પણ ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા.
ગુજરાતમાં દૂધ માંગો તો કદાચ ન મળે પણ દારૂ તો ગમે તે બ્રાન્ડનો માંગે તો આસાનીથી મળી જાય છે તે કડવું સત્ય છે અને આ સત્યને સ્વીકારવું જ રહ્યું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બહારના રાજ્યોમાંથી વિપુલ પ્રમાણમાં દારૂ આવે છે અને મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં છૂટથી દારૂ વેચાય છે. પોલીસ માટે દારૂબંધી પૈસા કમાવવાનું એકમાત્ર સાધન બનીને રહી ગયું છે તે પણ સર્વવિદિત વાત છે. ગુજરાતમાં દારૂબંધીને લઈ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ધૂમ દારૂ વેચાય છે, દારૂબંધીને કાયદેસર કરવામાં આવે તો સરકારને ટેક્સમાં ફાયદો થઈ શકે તેમ છે. કોંગ્રેસના આ નિવેદન બાદ ભાજપના ભરત ડાંગરે કહ્યું કે, ગાંધીજીના નામે વર્ષો સુધી મત લેનાર કોંગ્રેસ ગાંધીજીના વિચારોને અપનાવવા તૈયાર નથી. ભાજપ ગાંધીના ગુજરાતમાં ક્યારેય દારૂબંધી હટાવશે નહી. ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ કોંગ્રેસના શૈલેષ પરમાર પણ મેદાનમાં ઉતર્યા હતા અને તેમણે કહ્યું કે, ભાજપના મળતિયા જ દારૂ વેચી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલે કહ્યું કે, દારૂબંધી એ ભાજપ માટે ફંડ ઉઘરાવવાનું એકમાત્ર સાધન છે. અર્જુન મોઢવાડિયાએ પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાજ્યમાં છાશવારે દારૂબંધી ઉપર રાજનીતિ રમાય છે. ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ ઉપર સીમિત રહી ગઈ છે તે સત્ય વાત છે. ચૂંટણીઓ ટાણે ગામડાઓમાં પણ વિદેશી દારૂ ધૂમ વેચાય છે એ પણ અહીંયા નોંધવું જ રહ્યું. ગુજરાતની રાજસ્થાન,મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશની બોર્ડરો ઉપર ચૂસ્ત પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પણ ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે તે કઈ રીતે આવે છે તે તપાસનો વિષય છે. વિધાનસભાની ચૂંટણી વખતે રાજકીય નેતાઓ દારૂ મંગાવે છે અને આ જ પોલીસ કે દારૂબંધી કરાવી રહી છે એ પોલીસ દારૂ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તે નવી બાબત નથી.

