નવી દિલ્હી, મંગળવાર
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ છે કે જો ફારુક અબ્દુલ્લાને પાકિસ્તાન આટલું જ પસંદ છે, તો તેમણે ત્યાં રહેવા જતું રહેવું જોઈએ. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ. તેના પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

સોમવારે શ્રીનગરમાં પોલીસની બસ પર કરવામાં આવેલા આતંકી હુમલા પર પ્રતિક્રિયા આપતા ફારુક અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાને પોતાના અહંકારને છોડીને વાતચીત માટે આગળ આવવું જોઈએ. તેમણે કહ્યુ હતુ,કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. હું જવાનોના માર્યા જવા પર શ્રદ્ધાંજલિ આપું છું. હું સરકારને અપીલ કરું છું કે જો તેઓ ચાહે છે કે આ બધી બાબતોનો અંત આવેસ તો તેમણે દિલ જીતવાની વાત કરવી જોઈએ. જો તેઓ દિલ જીતી લે છે, તો આવી બાબતો થશે નહીં.
મહત્વપૂર્ણ છે કે સોમવારે સાંજે શ્રીનગરના જેવનમાં પોલીસની બસ પર આતંકીઓ દ્વારા ફાયરિંગ કરાયું હતું. જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા અને 11 જવાનો ઘાયલ થયા હતા.
ફારુક અબ્દુલાના પાકિસ્તાન સાથે વાતચીત કરવાના નિવેદનને લઇ ભાજપના નેતાઓ દ્વારા તેમના પર આકરા પ્રહાર શરુ કર્યા છે.

