પાટડી-દસાડા, મંગળવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાટડીમાં એક યુવાનને છેલ્લા દસ વર્ષથી પશુ-પક્ષીઓની સાથે એવી અતૂટ દોસ્તી છે કે, એક દિવસ પણ એમને આપસમાં મળ્યા વિના ચાલતું નથી. આ યુવક પોતાના પક્ષીમિત્રોને મળવા માટે રોજ સવારે તળાવના કિનારે ચણ લઈને પહોંચી જાય છે અને એ સમયે પક્ષીઓ પણ ત્યાં તેની રાહ જોતા આંટાફેરા કરતા હોય છે.
પાટડીમાં તળાવકાંઠે શૈલેષ પાલડીયા નામનો નવયુવાન છેલ્લા દસ વર્ષથી સો જેટલા બગલાઓ ચકલીઓ કબુતર તેમજ કૂતરાઓને ખાવાનું ખવડાવે છે. શૈલેષ સાંજે ગામમાં જઈ ઘરે ઘરેથી રોટલી, રોટલા, ખીચડી, અનાજ માંગીને આ પશુ-પક્ષીઓને ખવડાવે છે જેથી આ પક્ષીઓ સાથે તેઓને ગાઢ દોસ્તી થઈ ગઈ છે. સવારે બધા જ પક્ષીઓ આ યુવાનની રાહ જોઈને બેઠા હોય છે. સવારે જેવા યુવાન ત્યાં પહોંચે કે તરત જ બધા પશુ પક્ષીઓ તેમને ફરતે વિંટળાઈ જાય છે અને તે આવો આવોનો અવાજ કરતા સામે કાંઠે ગયેલા બગલાઓ પણ તરત આ યુવાનની પાસે આવી જાય છે.
આજે માણસો સમયના અભાવે ઓનલાઇન મળતા થઈ ગયા છે ત્યારે આ યુવાન પ્રકૃતિના અનમોલ તત્ત્વો સમા પંખીને દરરોજ રૂબરૂ મળી શાંતિથી બેસીને ખવડાવીને એમના કલરવથી મનને હરિયાળું બનાવી રહ્યો છે. આ પક્ષીઓ તળાવમાં માંસાહારી ખોરાક ખાતા હતા. તળાવમાં માંસાહારી ખોરાક ખાતા પક્ષીઓને છેલ્લા દસ વર્ષથી શાકાહારી ખોરાક ખાતા કરી દીધા છે, આજે આ પક્ષીઓ સંપૂર્ણ શાકાહારી બની ગયા છે અને તેઓ તળાવમાં જતા પણ નથી. અને આ યુવાન જે ખાવાનું આપે તે ખાઈને મંદિરની જગ્યામાં જ રહે છે.

