સરધારમાં સ્વામિનારાયણ મંદિરે તા. 10થી 18 એમ આઠ દિવસ સુધી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે ચોથા દિવસે વડતાલના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજીએ ઉપસ્થિત રહીને સરધારધામ સ્વામિનારાયણ મંદિરમાં 40 કિલો સોનાના સિંહાસન ઉપર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લાખો હરિભક્તો ભાવિભોર બન્યાં હતાં.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને સરધાર ગામમાં મોટું મંદિર બનવાની આગાહી કરીને આશિષ આપ્યાં હતાં. નિત્યસ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ સરધારધામમાં 155 ફૂટ લંબાઈ, 105 ફૂટ પહોળાઈ અને 86 ફૂટ ઉંચાઈ ધરાવતું પાંચ શિખરયુક્ત તેમજ કલાત્મક નકશીકામ ધરાવતું સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. ગઈકાલે સરધારધામ 300 જેટલી રંગબેરંગી લાઈટોની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કર્યા બાદ ધર્મસભાને સંબોધી હતી.


આ ઉપરાંત તા. 11ને શનિવારથી જ 1009 કુંડી શ્રીહરિ મહાયજ્ઞનો પ્રારંભ પણ થયો છે. જેમાં યજમાનો તથા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આહૂતિ અપાઈ રહી છે. તેમજ પ્રાસાવિક તળાવમાં સુંદરઘાટનું ઉદ્ઘાટન અને નગરજનો માટે નૌકાવિહારનું લોકાર્પણ કરાયું છે. આ ઉપરાંત તિર્થધામ સરધારધામના પ્રણેતા સદ્દગુરૂ નિત્ય સ્વરૂપદાસજી સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથરાદ શ્રીમદ્ સત્સંગી જીવન કથાનું પારાયણ કરી રહ્યાં છે.


15મીએ મહામંત્ર પ્રાગટ્ય સહિતના કાર્યક્રમો, 16મીએ અન્નકુટ મહોત્સવ, રાત્રે સત્સંગ કથા, હાસ્યરસ, 17મીએ ફુલડોલોત્સવ, રાસોત્સવ, કીર્તનભક્તિ સહિતના આયોજનો અને 18મીના રોજ અંતિમ દિવસે બપોરે 12 વાગ્યે આ મહોત્સવનું સમાપન થશે.

