HomeNationalસુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટોરપીડોનું સફળ પરીક્ષણ, ભારતીય નૌસેનાને મળી નવી તાકાત

સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટોરપીડોનું સફળ પરીક્ષણ, ભારતીય નૌસેનાને મળી નવી તાકાત

નવી દિલ્હી, સોમવાર

   સંરક્ષણ ક્ષેત્રે ભારત સતત નવા આયામો સ્થાપિત કરી રહ્યું છે. આ કડીમાં સોમવારે ભારતે લાંબા અંતરની સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ રિલિઝ ઓફ ટોરપીડોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઓડિશા ખાતેના બાલાસોરના તટ પરથી આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આગામી પેઢીની આ મિસાઈલ ડિલીવરી સિસ્ટમથી ભારતીય નૌસેનાની યુદ્ધલક્ષી ક્ષમતામાં વધારો થશે. તેને નૌસેનાની નવી શક્તિ ગણાવાય રહી છે. એક સંરક્ષણ અધિકારીએ કહ્યુ છે કે ભારતીય નૌસેના માટે આને ડીઆરડીઓ વિકસિત કરી રહ્યું છે.

   ડીઆરડીઓ દ્વારા ઓડિશામાં બાલાસોર તટ પર લાંબા અંતરની સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ ટોરપીડોનું આ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ડીઆરડીઓએ કહ્યું છે કે આ પ્રણાલી સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને વધારવા માટે તૈયાર કરવામાં આવી છે. આ મિસાઈલ પરંપરાગત ટોરપીડોની રેન્જથી ઘણા લાંબા અંતર સુધી પ્રહાર કરવા સક્ષમ છે. ડીઆરડીઓએ કહ્યું છે કે પરીક્ષણ દરમિયાન મિસાઈલોની તમામ ક્ષમતાઓનું સફળતાપૂર્વક પ્રદર્શન જોવા મળ્યું.

   આ મિસાઈલ લાઈટ વેટ એન્ટી સબમરીન ટોરપીડો સિસ્ટમમાં મદદગાર થશે. આ એક પ્રકારની સુપરસોનિક એન્ટી શિપ મિસાઈલ છે. તેની સાથે એક ઓછા વજનનો ટોરપીડો લાગેલો છે. જે પેલોડની જેમ વપરાય છે. બંને મળીને તેને એક સુપરસોનિક એન્ટી સબમરીન મિસાઈલ બનાવી દે છે. એટલે કે તેમા મિસાઈલના ફીચર્સ પણ મળશે અને સબમરીન નષ્ટ કરવાની ક્ષમતા પણ હશે. તે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ 650 કિલોમીટરની રેન્જ સુધી પ્રહાર કરી શકશે. એક્સપર્ટ્સનું માનવું છે કે આટલી વધુ રેન્જવાળી પ્રણાલીની હાજરી ભારતીય નૌસેનાને દુનિયાની સૌથી ખતરનાક નૌસેનાઓની યાદીમાં વધુ ઉપરના ક્રમાંકે પહોંચાડશે. જો કે દેશ પાસે વરુણાસ્ત્ર નામની એક એન્ટી સબમરીન ટોરપીડો પહેલેથી ઉપલબ્ધ છે. તે જીપીએસની મદદથી પોતાના લક્ષ્યને ભેદી શકે છે.

   મહત્વપૂર્ણ છે કે આ પરીક્ષણના બે દિવસ પહેલા જ ડીઆરડીઓ અને વાયુસેનાએ સ્વદેશમાં તૈયાર અને વિકસિત ટેન્ક વિરોધી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ પોખરણ રેન્જમાં કરાયું હતું. આ ટેન્ક વિરોધી મિસાઈલની ખાસ વાત એ છે કે તેને હેલિકોપ્ટરમાંથી લોન્ચ કરી શકાય છે. સ્વદેશી હથિયાર પ્રણાલીઓનું હાલમાં આ ત્રીજું પરીક્ષણ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW