વારાણસી, સોમવાર
કાશી વિશ્વનાથ ધામના પહેલા તબક્કાનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં સામેલ થયા છે. કેન્દ્ર અને યુપી સરકારના વિશાળ અને વ્યાપક કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યોના 12 મુખ્યમંત્રીઓ અને 9 નાયબ મુખ્યમંત્રીઓ પણ ગંગા આરતીમાં ભાગ લેવા પહોંચ્યા છે.
દશાશ્વમેઘ ઘાટ પર મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલી આરતીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શન કર્યા છે. તેઓ અહીં ક્રૂઝ પર સવાર થઈને આરતીના દર્શન કરી રહ્યા છે. ચારે તરફ ભક્તો જોવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના જયકારા લગાવી રહ્યા છે. જેને જ્યાં સ્થાન મળ્યું તે ત્યાં ઉભા રહીને આરતીના દર્શન કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદી રોલ ઓન રોલ ઓફ પર સવાર છે. દશાશ્વમેઘ ઘાટ પર મોટી સંખ્યામાં દીપ પ્રજ્વલન કરાયા છે. ગંગા આરતીમાં સામેલ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસ્સી ઘાટ અને સંત રવિદાસ ઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે સંત રવિદાસને નમન કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે લોકાર્પણના કાર્યક્રમ બાદ સફાઈકર્મીઓ અને કર્મચારીઓ સાથે લંચ કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કર્મચારીઓને ધન્યવાદ આપ્યા હતા. વડાપ્રધાન મોદી અલકનંદા ફેરી પર સવાર થઈને અસ્સી ઘાટ જવા માટે રવાના થયા હતા.

