HomeNationalમોંઘવારી હટાવો રેલીમાં પોતે હિંદુ હોવાનું રાહુલ ગાંધીને યાદ આવ્યું : સોનિયા...

મોંઘવારી હટાવો રેલીમાં પોતે હિંદુ હોવાનું રાહુલ ગાંધીને યાદ આવ્યું : સોનિયા ગાંધીએ પુત્રના ભાષણ પર વગાડી તાળીઓ, પણ રહ્યા મૌન

જયપુર, રવિવાર

   2022ની યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એમ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા હિંદુ અને હિંદુત્વની આસપાસ રાજકીય પક્ષોની વોટનીતિ સ્થિર થતી દેખાય રહી છે. કોંગ્રેસશાસિત રાજસ્થાનના પાટનગર જયપુરમાં મોંઘવારી હટાવો રેલીનું પાર્ટી દ્વારા આયોજન કરાયું હતું. કેન્દ્ર સરકાર સામેની આ રેલી એક રીતે રાહુલ ગાંધીનું રિલોન્ચિંગ માનવામાં આવે છે. પરંતુ આ રેલી મોંઘવારી હટાવોની હતી અને રાહુલ ગાંધીને અચાનક પોતે હિંદુ હોવાનું યાદ આવી ગયું. મોંઘવારી હટાવોની કોંગ્રેસની રેલીમાં હિંદુ અને હિંદુત્વવાદી શબ્દોની ગુંજ સંભળાય હતી.

   કોંગ્રેસની આ રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે હું હિંદુ છું, હિંદુત્વવાદી નથી. રાહુલ ગાંધીએ કહ્યુ કે મહાત્મા ગાંધી હિંદુ હતા અને નાથુરામ ગોડસે હિંદુત્વવાદી. રાહુલ ગાંધીએ રેલીમાં લોકોને હાકલ કરી હતી કે દેશમાં 2014થી હિંદુત્વાવાદીઓની સરકાર , આ સરકારને હટાવીને ભારતમાં હિંદુઓની સરકાર બનાવવાની છે. રાહુલ ગાંધીએ કિસાન આંદોલનનો ઉલ્લેખ કરીને મોદી સરકારને નિશાને લેતા કહ્યુ હતુ કે જ્યારે હિંદુ કિસાન ઉભો થયો, તો હિંદુત્વવાદીએ માફી માંગી. મહત્વપૂર્ણ છે કે 378 દિવસ ચાલેલા કિસાન આંદોલનના કારણે કેન્દ્ર સરકારને તેના લાગુ કરાયેલા ત્રણ નવા કૃષિ કાયદા પાછા ખેંચવા પડયા છે.

   જયપુરની મોંઘવારી હટાવો રેલીમાં દિગ્ગજ કોંગ્રેસીઓ સામેલ થયા હતા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી પણ લાંબા સમય બાદ કોઈ રેલીમાં જોવા મળ્યા હતા. જો કે તેમણે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધીના સંબોધનોમાં તાળીઓ વગાડી હતી. પરંતુ પોતે રેલીને સંબોધન કર્યું ન હતું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆતમાં જ કહ્યુ કે બે શબ્દોનો આત્મા એક જોવો હોઈ શકે નહીં. આ શબ્દો છે હિંદુ અને હિંદુત્વવાદી. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દેશની રાજનીતિમાં બે શબ્દોની ટક્કર છે. એક શબ્દ હિંદુ અને બીજો શબ્દ છે હિંદુત્વાદી. પરંતુ આ એક ચીજ નથી. આ બંને અલગ શબ્દ છે અને તેના મતલબ પણ અલગ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી.

   કોંગ્રેસના લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે મહાત્મા ગાંધી હિંદુ હતા, પરંતુ ગોડસે હિંદુત્વવાદી. તેમણે કહ્યુ હતુ કે આની વચ્ચેનો ફરક તમને જણાવું છું. ચાહે કંઈપણ થઈ જાય, હિંદુ સત્યને શોધે છે. હિંદુ મરી જશે પરંતુ સત્યને શોધશે. તેનો માર્ગ સત્યાગ્રહનો છે. ગાંધીએ આખી જિંદગી સત્યને સમજવામાં વિતાવી દીધી. પરંતુ આખરમાં એક હિંદુત્વવાદીએ તેમની છાતીમાં ત્રણ ગોળી મારી. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે હિંદુત્વવાદી પોતાની આખી જિંદગી સત્તાને શોધવામાં લાગવી દે છે. તેને સત્ય સાથે લેવાદેવા નથી. તે સત્તા માટે કંઈપણ કરી શકે છે, તેનો માર્ગ સત્યાગ્રહ નહીં પણ સત્તાગ્રહ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે હિંદુત્વવાદીને તેનો ડર ડૂબાડી દે છે અને આ ડરથી તેના દિલમાં નફરત પેદા થાય છે. તેને ગુસ્સો આવે છે. હિંદુ ડરનો સામનો કરે છે, તેના દિલમાં શાંતિ પેદા થાય છે. હિંદુત્વવાદી અને હિંદુ વચ્ચે આ ફરક છે. તમે બધાં હિંદુ છો, હિંદુત્વવાદી નથી.

   કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે આજે જો આ દેશમાં દુખ છે, દર્દ છે, તો આ કામ હિંદુત્વવાદીઓએ કર્યું છે. હિંદુત્વવાદીઓને કોઈપણ સ્થિતિમાં સત્તા જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે હિંદુત્વવાદી સત્તા માટે કંઈપણ કરી શકે છે, સત્ય સાથે તેમને મતલબ નથી. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે 2014થી આ દેશમાં હિંદુત્વવાદીઓનું રાજ છે. હિંદુઓનું નથી. તેમણે કહ્યુ છે કે અમે એકવાર હિંદુત્વવાદીઓને બહાર કાઢવાના છે અને હિંદુઓનું રાજ લાવવાનું છે. હિંદુ કોણ જે સૌના ગળે લાગે છે, હિંદુ કોણ જે કોઈનાથી ડરતો નથી. હિંદુ કોણ જે દરેક ધર્મ વાંચે છે, તે છે હિંદુ. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે હિંદુસ્તાનની એક ટકા વસ્તીના હાથમાં 33 ટકા મિલ્કત છે. 10 ટકા જનતાના હાથમાં 65 ટકા ધન છે. સૌથી ગરીબ 50 ટકા લોકોના હાથમાં 6 ટકા ધન છે. નરેન્દ્ર મોદીએ હિંદુસ્તાનના સૌથી ગરીબ 50 ટકા લોકોના હાથમાં 6 ટકા ધન છોડયું છે. રાહુલ ગાંધીએ નોટબંધી, જીએસટી અને ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની કમર તોડી નાખી હોવાનું જણાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે હિંદુઓને ક્યારેય દબાવી શકાયા નથી. ત્રણ હજાર વર્ષમાં થયું નથી,આજે પણ નહીં થઈ શકે, કારણ કે અમે કોઈનાથી ડરતા નથી. અમે મરવાથી ડરતા નથી.

   રાહુલ ગાંધીએ કહ્યુ છે કે નરેન્દ્ર મોદી અને તેમના ત્રણ-ચાર ઉદ્યોગપતિઓએ આ દેશને બરબાદ કર્યો. અમે કર્જ માફી કરી, ખેડૂતોને રાહત આપી, કારણ કે અમે જાણીએ છીએ કે ખેડૂત આ દેશની કરોડરજ્જૂ છે. તેમના વગર કંઈ થઈ શકે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીએ ખેડૂતોના દિલમાં, તેમની છાતીમાં ચાકૂ માર્યું તે પણ આગળથી નહીં પાછળથી. કારણ કે આ હિંદુત્વવાદી છે. હિંદુ તો આગળથી મારે છે. પછી જ્યારે હિંદુ ખેડૂત હિંદુત્વવાદી સામે ઉભો થયો, તો હિંદુત્વવાદીએ કહ્યુ કે હું માફી માંગુ છું. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે અમે અહીં ખેડૂતોને મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપી. પરંતુ સંસદમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા દેવાય નહીં.

   રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આજે તમે જ્યાં પણ જોશો તમને બે લોકો દેખાશે. રેલવે, પોર્ટ કોઈપણ ઠેકાણે. આ તેમની ભૂલ નથી. કોઈ તમને મફતમાં આપી દે તો શું તમને તેને પાછું આપી દેશો. તેમની ભૂલ નથી. પણ વડાપ્રધાનની ભૂલ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે અંબાણી અને અદાણીની જગ્યા છે. પરંતુ તેઓ રોજગાર પેદા કરી શકતા નથી.

   રાહુલ ગાંધીના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોંઘવારીની લડાઈમાં લોકોનો અવાજ બનવાનો ભરોસો આપ્યો અને કહ્યું છે કે મોંઘવારી માત્ર તમારી લડાઈ નથી. આ મારી લડાઈ છે, આ મારા ભાઈ રાહુલ ગાંધીની લડાઈ છે, આ સોનિયા ગાંધીની લડાઈ છે. આ મંચ પર બેઠેલા દરેક કોંગ્રેસીની લડાઈ છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે તમે આ રેલીમાં એટલા માટે આવ્યા છો, કારણ કે મોંઘવારીના કારણે તમારું જીવન મુશ્કેલ બની ગયું છે. તમે અહીં એટલા માટે આવ્યા છો, કારણ કે રાંધણગેસનો સિલિન્ડર 1000 રૂપિયાનો થઈ ગયો છે. પ્રિયંકાએ કહ્યું હતું કે કેન્દ્રમાં રહેલી સરકાર જનતાની ભલાઈ ઈચ્છતી નથી. આપણા પર્યટક પ્રધાનમંત્રી પોતાના નિવાસસ્થાનથી 10 કિલોમીટર દૂર ખેડૂતોને મળવા જઈ શક્યા નહીં. પરંતુ આખી દુનિયા ફરી આવ્યા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW