ગાંધીનગર, રવિવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે. મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરી આશાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના… ઓમ શાંતી…॥
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબહેન પટેલના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજ્યપાલે તેમના શોક સંદેશમાં જણાવ્યું છે કે, ડો.આશાબહેન પટેલ જાગૃત જનપ્રતિનિધિ તરીકે ઓળખ ધરાવતા હતા. એક કર્મશીલ જનપ્રતિનિધિ તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે. રાજ્યપાલે સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે એવી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે.
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને ટ્રસ્ટીગણ આર.પી.પટેલે શોક વ્યક્ત કર્યો હતો.ઊંઝાના ધારાસભ્ય અને પાટીદાર મહિલા શ્રેષ્ઠી ડૉ. આશાબેન પટેલનું અકાળે નિધન થયાના સમાચાર સાંભળી ખુબ દુઃખની લાગણી અનુભવીએ છીએ. ડૉ. આશાબેનના નિધનથી પાટીદાર સમાજ સહિત સર્વ સમાજે સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યાનો રંજ છે. એક ધારાસભ્ય તરીકે કરેલાં વિકાસ કાર્યોની નોંધ સમાજ હંમેશા લેશે. જગત જનની મા ઉમિયાને પ્રાર્થના કરીએ કે તેમના આત્માને શાંતિ આપે અને પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડીમાં તેમને હિંમત આપે.
બપોરે 1 કલાક પહેલાં તેઓનું નિધન થયું છે. તેમના પરિવારજનો, ઉંઝા માર્કેટ યાર્ડના ચેરમેન સહિતના લોકો હાજર હતા. ઉંઝા લઈ જઈ ધાર્મિકવિધિ કરવામાં આવશે. સાંજે 5.30 વાગ્યે ઉંઝા માર્કેટ યાર્ડમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જ્યારે આવતીકાલે સવારે વતન વિસોલ ખાતે લઇ જવાશે જ્યાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બાદમાં સિદ્ધપુર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામા આવશે.

