રાજકોટના ગાયત્રીનગરમાં નિવૃત એસઆરપી જવાનના પુત્રએ તેના પિતાની રિવોલ્વરમાંથી ગોળી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરનાર યુવાન બીઆરટીએસ બસસ્ટેન્ડમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. જો કે આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
રાજકોટના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા નિવૃત એસઆરપી જવાનના પુત્ર યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમાએ ગત મોડી રાત્રે તેના ઘરમાં ટીવી જોતો હતો. રાત્રે 11 વાગ્યે માતા-પિતા સુઈ ગયા હતા ત્યારે યુવરાજસિંહે મને હજુ નિંદર નહીં આવતું હોવાનું જણાવી થોડીવાર ટીવી જોઈને સુવા માટે આવું છે તેમ કહ્યું હતું. તેના પિતા ઘનશ્યામસિંહ અને તેમના પત્ની ઉપરના રૂમમાં સુઈ ગયા હતા. ત્યારબાદ યુવરાજસિંહે ટીવીનો અવાજ વધારીને તેના પિતા ઘનશ્યામસિંહની લાયસન્સવાળી બંદુક લઈ સોફા ઉપર બેઠા બેઠા છાતીમાં ગોળી ધરબી દઈ આપઘાત કરી લીધો હતો. મોડી રાત્રી સુધી પુત્ર ઉપર સુવા માટે નહીં આવતા યુવાનના પિતા નીચેના રૂમમાં ગયા ત્યારે પુત્રનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ પડ્યો હતો અને તેની રિવોલ્વર બાજુમાં પડી હતી.

આ બનાવની જાણ મોડી રાત્રે 108ની ટીમને કરતા ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેમાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ સમગ્ર બનાવની જાણ ભક્તિનગર પોલીસ સ્ટેશનને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે યુવાનના મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ પોલીસની પ્રાથમિક પુછપરછમાં યુવાન છેલ્લા ઘણા સમયથી સરકારી ભરતીની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું હતું. જો કે યુવાને શા માટે આપઘાત કર્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રતિકાત્મક તસ્વીર

