નવી દિલ્હી, શનિવાર
કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 33 લોકો આ વેરિએન્ટથી ચેપગ્રસ્ત થઈ ચુક્યા છે. ઓમિક્રોન વેરિએન્ટ સંદર્ભે વૈજ્ઞાનિકો હજી જાણકારી એકઠી કરવામાં લાગેલા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે વિશેષજ્ઞોનું માનવું છે કે હાઈ સીરો પોઝિટિવિટી રેટને કારણે ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટથી બચવામાં અસરકારકતા રહેશે. જો કે વિશેષજ્ઞોએ રસીકરણ અને કોવિડ ગાઈડલાઈન્સના પાલનની સલાહ પણ આપી છે.
સીએસઆઈઆર-સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યૂલરના પૂર્વ ડાયરેક્ટર રાકેશ મિશ્રાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈની સાથેની વાતચીતમાં કહ્યુ છે કે ભારતને 70થી 80 ટકા સીરો પોઝિટિવિટીનો ફાયદો છે. મોટા શહેરોમાં 90 ટકાથી વધારે લોકોમાં પહેલા જ એન્ટીબોડી છે. ટાટા ઈન્સ્ટિટ્યૂટ ફોર જેનેટિક્સ એન્ડ સોસાયટી બેંગલુરુના હાલના ડાયરેક્ટર મિશ્રાએ કહ્યુ છે કે લોકોને ઉપલબ્ધ સુરક્ષાને જોતા, જો કોઈ ચેપગ્રસ્ત થાય પણ છે, તો તે માઈલ્ડ હશે. વધારે અસરદાર નહીં હોય.
તેમણે કહ્યુ છે કે જો રસીકરણને વધારવામાં આવે અને બાળકોને રસી લાગી જાય છે, તો તેનાથી મોટા પ્રમાણમાં મદદ મળશે. ઓમિક્રોન વેરિએટના ખતરનાક હોવાને લઈને તેમણે કહ્યુ છે કે હજી શરૂઆતના ડેટા જ સામે આવ્યા છે અને પ્રારંભિક ડેટા પ્રમાણે તેના લક્ષણ માઈલ્ડ દેખાય રહ્યા છે.
જો કે તેમણે કહ્યુ છે કે આનો મતલબ એ નથી કે માસ્ક ન લગાવો અને નિયમોનું પાલન ન કરવામાં આવે. વાઈરસને રોકવા માટે કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું બેહદ જરૂરી છે. માસ્ક, સોશયલ ડિસ્ટન્સિંગ અને રસીકરણ દ્વારા આપણે વાઈરસ પર લગામ કસી શકીએ છીએ.
કોરોના વાઈરસની ત્રીજી લહેરની આશંકા સંદર્ભે પુછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે ઓમિક્રોન વેરિએન્ટ વગર પણ યુરોપના ઘણાં દેશોમાં ત્રીજી લહેર આવી રહી છે અને ચાલુ છે તથા તેવામાં આપણે સાવધાન રહેવાની જરૂરત છે. બીજી લહેર બાદથી આપણે પહેલા કરતા વધુ સારી રીતે તૈયાર છીએ. જો આમ કંઈ થાય પણ છે તો હોસ્પિટલોમાં ભરતી થવા અને ઓક્સિજનની તંગી જેવી મુશ્કેલીઓ દેખાય રહી નથી.

