ગાંધીનગર, શનિવાર
2015માં શરૂ થયેલા પાટીદાર આંદોલન બાદ જે ઘટનાક્રમ સર્જાયો હતો અને એ પછી પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી અને રાજદ્રોહ સહીત 485 પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. સમયાંતરે આ કેસ પરત ખેંચવા માટે પાટીદારોની વિવિધ સંસ્થાઓએ સરકારમાં રજૂઆત કરી હતી અને જે અનુસંધાને હવે માત્ર 146 કેસ પરચ ખેંચવાના બાકી રહે છે અને આ કેસ ઝડપથી પરત ખેંચાય તે માટે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ સરકાર તાકીદે કેસ પરત ખેંચે તેવી માગણી કરી રહી છે. અગાઉ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરો તેમજ એસપીજી તેમજ પાટીદાર સેવા સંસ્થાનના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી અને કેસ પરત ખેંચવા માટે અનુરોધ કર્યો હતો.
હવે પાટીદાર સમાજના સંસદસભ્યોએ પણ મુખ્યમંત્રીને મળ્યા હતા અને પોલીસ કેસ પાછા ખેંચવા માટે કહ્યું હતું. ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને સામી ચૂંટણીએ પાટીદાર સમાજ પણ સરકાર ઉપર પ્રેસરની ટેકનિક અપનાવી રહ્યો છે. બીજી તરફ ભાજપ પણ સારી રીતે સમજે છે કે, કેસ પાછા ખેંચવામાં આવે તે જરૂરી છે. જાે તેમ કરવામાં ન આવે તો સામી ચૂંટણીએ ભાજપને નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. નજીકના દિવસોમાં પાટીદાર સામેના કેસ પાછા ખેંચાઈ શકે છે.
પાટીદાર અનામત આંદોલનને ૬ વર્ષનો સમય વીતિ ગયો હોવા છતાં પણ ૧૪૬ જેટલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવતા નથી. રાજદ્રોહ સહીતના કેસમાં અનેક પાટીદાર નેતાઓને કોર્ટમાં હાજરી પૂરાવવી પડે છે અને તેનો નિકાલ આવે તેવું પાટીદારો ઈચ્છી રહ્યા છે. જાે કે, બાકી રહેલા પોલીસ કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકાર ગલ્લાં તલ્લાં કરી રહી છે. અગાઉ પણ પાટીદાર નેતાઓ દ્વારા સમયાંતરે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી પણ હજુ સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી. 2019ની લોકસભાની ચૂંટણી સમયે પણ ભાજપે પોલીસ કેસ પરત ખેંચવામાં આવશે તેવું કહ્યું હતું પણ આજ સુધી તેનું પાલન થયું નથી. માત્ર એટલું જ નહી પણ જે ૧૪ પાટીદાર જવાનો શહીદ થયા હતા તેમના પરિવારોને સરકારી નોકરી આપવાનું વચન પણ પૂરું થયું નથી.
રાજ્યમાં પાટીદાર સમાજને નારાજ કરવો એ ભાજપને પાલવે એમ નથી અને સૌ કોઈ જાણે છે તેમ તત્કાલિન રૂપાણી સરકાર સામે પાટીદાર સમાજની નારાજગી વધી હતી અને ત્રણ મહિના પહેલાં ખોડલધામના નરેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતનો મુખ્યમંત્રી તો પાટીદાર સમાજનો જ હોવો જાેઈએ. આ નિવેદન બાદ રાતોરાત ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવામાં આવ્યું હતું અને પાટીદાર ચહેરો એવા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા. છ વર્ષથી પાટીદારો સામેના પોલીસ કેસ પાછા ખેંચવામાં રાજ્ય સરકાર નિરુત્સાહી રહી છે અને હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદારો પણ સક્રિય થયા છે.
અગાઉ નરેશ પટેલ સહીતનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું હતું અને તેમાં મુખ્યમંત્રીએ કેસ પાછા ખેંચવાની બાંહેધરી આપી હતી. બાદમાં પાટીદાર સાંસદો પણ મુખ્યમંત્રીને મળ્યા હતા અને કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી હતી. ઉપરા ઉપરી રજૂઆતના પગલે રાજ્ય સરકાર પણ સજાગ બની છે અને ગમે ત્યારે બાકી રહેલા પોલીસ કેસ પાછા ખેંચવાનું એલાન થઈ શકે છે. સામી ચૂંટણીએ ભાજપ હવે કોઈ રિસ્ક લેવા માગતો નથી અને પાટીદાર સમાજ સામે પડવા માગતો નથી. નજીકના દિવસોમાં ઘીના ઠામમાં ઘી પડીને રહેશે અને પાટીદાર સામેના તમામ બાકી રહેલા કેસ પાછા ખેંચાઈ શકે છે તે દિશામાં રાજ્ય સરકારે કવાયત પણ હાથ ધરી દીધી છે. કોંગ્રેસ પાસે પાટીદાર સમાજમાં નારાજગી છે અને કેસને લઈ કોઈ મુદ્દો ન રહે તે માટે ભાજપ સજાગ બન્યો છે.

