વડોદરા, શુક્રવાર
ગુજરાતમાં ઓમીક્રોન અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર તથા વડોદરામાં વિદેશથી આવેલા પ્રવાસીઓમાં ઓમિક્રોન વેરિયન્ટ નહિ હોવાની પુષ્ટિ થઈ છે. આ ત્રણેય મુસાફરો હાઈરિસ્ક દેશોમાંથી ગુજરાતમાં આવ્યા હતા. તેમનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે તમામની તબિયત સ્થિર છે. હાઈરિસ્ક દેશોમાંથી આવેલા 3 વ્યક્તિના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટિંગ માટે પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે તેમના ટેસ્ટ નેગેટિવ આવતા હાલ ગુજરાતમાં એક જ કેસ પોઝિટિવ છે. જામનગરમાં જે વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ છે તેમના પરિવારના 2 સભ્યોના આવતીકાલે રિપોર્ટ આવશે.
ઓમિક્રોન વેરિયન્ટને પગલે અમદાવાદના SVPI એરપોર્ટ પર તકેદારીના ભાગરૂપે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાઈરિસ્ક કેટેગરીના દેશોમાંથી ઇન્ટરનેશનલ ટર્મિનલ પર આવતા મુસાફરોના RT-PCR ટેસ્ટ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે અને ફરજીયાત કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એટલુ જ નહિ, પણ જ્યાં સુધી મુસાફરોનો RT-PCR રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની અંદર રાખવામાં આવે છે. મહત્વનું છે કે હાઈ રિસ્ક દેશોમાની લંડનથી આવતી ફ્લાઈટ સપ્તાહમાં માત્ર બે ફ્લાઇટ આવે છે. જોકે ઇન્ટરનેશનલ એરપોટ પર એક દિવસમાં 3 હજાર RT-PCR કરી શકવાની વ્યવસ્થા એરપોર્ટ દ્વારા કરાઈ છે. જેમાં ₹ 400 માં RT PCR રિપોર્ટ 8 થી 10 કલાકમાં આવે છે. અને એક કલાકમાં રિપોર્ટ આવે તે રેપિડ RTPCR ટેસ્ટનો ખર્ચ 2700 પેસેન્જરે ચૂકવવાનો રહે છે. સાથો સાથ આ તમામ એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ માટે સિવિલ એવિએશન દ્વારા 250 થી વધુ પેસેન્જરની બેઠક વ્યવસ્થા SOP મુજબ કરવામાં આવી છે.

