ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. વહેલી સવારે ધુમ્મસ જોવા મળે છે તો દિવસ કરતા રાત વધારે ઠંડી બની રહી છે. બરોબર ઠંડીની શરૂઆત હજું થાય એવામાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. એ પછી ઉનાળા જેવી ગરમીનો એક મહિનામાં બે વખત અનુભવ થયો છે. મહાનગર અમદાવાદમાં હજુ પણ ધ્રુજાવી દે ઠંડી પડતી નથી. અમદાવાદમાં રાત્રીનું લઘુતમ તાપમાન 4.1 ડીગ્રી વધુ નોંધાયું હતું.
જ્યારે દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડીગ્રી ઓછું નોંધાતાં મોડી સાંજે સામાન્ય કરતાં વધુ ઠંડી અનુભવાઈ હતી. અમદાવાદ શહેરમાં ગાત્રો થીજવતી ઠંડીની હાલ તો શક્યતા નહિવત્ છે. હવામાન વિભાગ તરફથી આવનારા બે દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કડકડતી ઠંડી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. બીજી તરફ, કચ્છના નલિયામાં પારો ગગડી 8.8 ડીગ્રીએ પહોંચી જતાં તે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર નોંધાયું હતું.

જ્યારે ડીસામાં પણ પારો ગગડી 13.8 ડીગ્રી, ભુજમાં 14 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. બે દિવસ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. હજુ ઠંડીનું જોર અમદાવાદ શહેરમાં શરૂ થયું નથી. વરસાદી માહોલ બાદ બફારો અને ઉકળાટ રહેતાં ઠંડી શરૂ થઈ નથી. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધારે હોય છે. પણ આ વખતે એવું કંઈ જોવા મળ્યું નથી. ડિસેમ્બરનું એક સપ્તાહ વીતી ગયું છે તેમ છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે, જેથી આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે. છેલ્લા 4 દિવસથી ધીમે ધીમે ઠંડીમાં વધી રહી છે. 4 દિવસમાં 5 ડીગ્રીથી વધુ લઘુતમ તાપમાન ઘટ્યું છે. જે અંતર્ગત મોડાસા સિવાયનાં 4 શહેરોમાં ઠંડી દોઢ ડીગ્રી સુધી વધી હતી. જ્યારે મોડાસા શહેરમાં 1 ડીગ્રીનો વધારો જોવા મળ્યો હતો. તાપમાન 15 ડીગ્રીથી નીચે આવતાં 4 જિલ્લા રીતસરના ઠંડીથી ઠૂઠવાયા હતા.

