નવી દિલ્હી, ગુરુવાર
અમેરિકા દ્વારા બીજિંગ વિંટર ઓલિમ્પિક 2022ના રાજદ્વારી બહિષ્કાર બાદ ઘણાં અન્ય દેશો તેનો બહિષ્કાર કરી ચુક્યા છે. આમા યુનાઈટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો સામેલ થઈ ચુક્યા છે. આ દેશોની સાથે હવે કેનેડાએ પણ ઓલિમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કર્યો છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યુ છે કે અમે ચીનની સરકાર દ્વારા વારંવાર માનવાધિકારોના ઉલ્લંઘનથી બેહદ ચિંતિત છીએ. કેનેડા માનવાધિકાર ચિંતાઓના મામલે બીજિંગ વિંટર ઓલિમ્પિકના રાજદ્વારી બહિષ્કારમાં અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયાની સાથે છે. મહત્વપૂર્ણ છે કે કેનેડા, અમેરિકા, યુકે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના કૂટનીતિક પગલા તેમના એથ્લીટોને રમતમાં ભાગ લેતા નહીં રોકે.
હ્યુમન રાઈટ્સ ગ્રુપે શિનજિયાંગ ક્ષેત્રમાં પોતાના ઉઈગૂર મુસ્લિમ લઘુમતી વિરુદ્ધ ચીન દ્વારા માનવાધિકાર ભંગને ટાંકીને બીજિંગ વિંટર ઓલિમ્પિકના પૂર્ણ બહિષ્કારની અપીલ કરી છે. તેઓ બીજિંગ દ્વારા હોંગકોંગમાં લોકશાહી ઢબે થઈ રહેલા વિરોધના દમન અને ઓટોનોમસ ક્ષેત્રમાં અસંતોષ પર વ્યાપક કાર્યવાહી તરફ પણ ઈશારો કરે છે. ટ્રુડોએ કહ્યુ છે કે મનસ્વીપણે કસ્ટડીમાં લેવા મામલે ચિંતા વાસ્તવિક છે અને દુનિયાભરના ઘણાં દેશો દ્વારા તેને વ્યક્ત કરવામાં આવે છે. કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું છે કે અન્ય દેશોને આવા પ્રકારની કાર્યવાહી કરવાની જરૂરત છે. ચીને એક મજબૂત સંકેત મોકલવો મહત્વપૂર્ણ છે. માનવાધિકારોના ઉલ્લંઘન અસ્વીકાર્ય છે.

