ભારતીય વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા, જેમાં 13 લોકોના મોત થયા છે. સીડીએસ રાવતની પત્ની મધુલિકા રાવતનું અકસ્માતમાં મોત થયું છે. વાયુસેનાએ કહ્યું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ધુમ્મસના કારણે ઓછી વિઝિબિલિટીના કારણે કથિત રીતે આ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટરે કોઈમ્બતુર નજીક સુલુર એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે કહ્યું કે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગેની માહિતી સંબંધિત મંત્રાલય યોગ્ય સમયે શેર કરશે. જ્યારે અકસ્માત વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઠાકુરે કહ્યું, “સંબંધિત મંત્રાલય યોગ્ય સમયે અકસ્માત વિશેની સંપૂર્ણ માહિતી શેર કરશે.” આ પહેલીવાર નથી જ્યારે Mi-17 સિરીઝનું હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું હોય. છેલ્લા પાંચ વર્ષમાં છ હેલિકોપ્ટરના અકસ્માત થયા છે. જોકે વાયુસેનાના આ MI-17V5 હેલિકોપ્ટરને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. ભારતે તેને રશિયા પાસેથી ખરીદ્યું છે અને 80 Mi-17 હેલિકોપ્ટર માટે ડીલ કરવામાં આવી હતી, જેનો સપ્લાય 2011થી શરૂ થયો હતો અને 2018 સુધીમાં તમામ 80 હેલિકોપ્ટર ભારતમાં આવી ગયા હતા.

જાણો MI-17 ક્યારે બન્યું અકસ્માતનો શિકાર
આ વર્ષે 18 નવેમ્બરે આ હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં લેન્ડ કરતી વખતે અકસ્માતનો ભોગ બન્યું હતું, પરંતુ સદનસીબે પાંચેય ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે બચી ગયા હતા. એરફોર્સે અકસ્માતની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો.
Mi-17 હેલિકોપ્ટર 23 સપ્ટેમ્બર 2019ના રોજ કેદારનાથ ધામમાં અકસ્માતનો શિકાર બન્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર છ લોકોનો આબાદ બચાવ થયો હતો.

જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં 27 ફેબ્રુઆરી 2019ના રોજ Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એરફોર્સના છ અધિકારીઓ અને એક નાગરિકનું મોત થયું હતું. તપાસમાં સામે આવ્યું છે કે બેદરકારીના કારણે હેલિકોપ્ટર પોતાની જ મિસાઈલથી ક્રેશ થયું હતું. કેદારનાથ ધામમાં 03 એપ્રિલ 2018ના રોજ Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સવાર છ લોકોનો આબાદ બચાવ થયો હતો. Mi-17 હેલિકોપ્ટર 06 મે 2017ના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ સાથે જ અન્ય બે લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા.

