તમિલનાડું,બુધવાર
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને વહન કરતું એરફોર્સનું હેલિકોપ્ટર Mi-17V5 આજે બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં સીડીએસ સહિત કુલ 14 લોકો સવાર હતા. અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હેલિકોપ્ટર Mi-17V5 એરક્રાફ્ટમાં CDS જનરલ બિપિન રાવત ઉપરાંત તેમના પત્ની મધુલિકા રાવત, CDS PSO બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક બી સાઈ તેજા હાજર હતા.આ સિવાય વિમાનમાં સવાર બંને પાયલટ અને ટેકનિકલ કર્મચારીઓને પણ ઈજા થઈ છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પરિણામે, આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતનાં પત્નીનું નિધન થયું હોવાનું જાણવા મળે છે.
દુર્ઘટના પછી લગભગ એક કલાક બાદ આ જાણકારી આપવામાં આવી કે જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમની હાલત કેવી છે એ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિત ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દુર્ઘટના અંગે તેઓ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે.
હેલિકોપ્ટર ક્રેશ થતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી
વિમાનમાં કેટલાક અન્ય સૈન્ય અધિકારીઓ સહિત કુલ 14 લોકો સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થતાં જ તેમાં આગ લાગી અને આસપાસના વૃક્ષો પણ સળગવા લાગ્યા. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી, સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. ઘાયલોમાં CDS જનરલ બિપિન રાવત પણ સામેલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
રિટાયર્ડ લેફટનન્ટ જનરલ એચએસ પનાગે આપી શ્રદ્ધાંજલિ
હજુ જનરલ બિપિન રાવત અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સેનાનાં સૂત્ર અને કેટલાક પૂર્વ અધિકારીઓએ જનરલ બિપિન રાવતના મોતને લઈને ટ્વીટ કરી દીધું છે. રિટાયર્ડ લેફટનન્ટ જનરલ એચએસ પનાગે જનરલ બિપિન રાવતને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે.

