અમદાવાદ, મંગળવાર
ગુજરાતમાં હવે ઓમિક્રોનનો ખતરો વધ્યો છે અને આ નવો વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાનું તબીબી વર્તુળો જણાવી રહ્યા હોવા છતાં હજુ રાજ્યમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, રાજ્યની તમામ શાળાઓમાં કોવિડ અંગેની ગાઈડલાઈનનું ફરજિયાત અને ચોક્કસ પણે પાલન કરવાના નિર્દેશો રાજ્ય સરકાર તરફથી આપી દેવામાં આવ્યા છે.
મહામારી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો રાજ્યમાં પ્રથમ કેસ જામનગર ખાતે નોંધાયા પછી શંકાસ્પદ કેસોની તો વણઝાર ચાલી છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ એકાએક ઉછાળો નોંધાતા આરોગ્ય વિભાગ ચોંકી ઉઠયું છે અને ચિંતિત બનેલી રાજ્ય સરકારે પણ આ મામલે તાબડતોબ મિટિંગ બોલાવીને અગમચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના મહાનગરોની હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
જોકે બીજી લહેરમાં જેવી ગંભીર સ્થિતિ હતી એવી ગંભીર સ્થિતિ તો આ વખતે નહીં જ થાય એવો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે. આ આશાવાદ અકારણ પણ નથી. ગુજરાત રાજ્યમાં જે રીતે વેક્સિનેશનની કામગીરી થઇ છે એ જોતાં બીજી લહેર કેટલી જોખમી સ્થિતિ નહીં જ થાય એવું કેટલાક તબીબો પણ માની રહ્યા છે. જો કે રાજ્ય સરકારે તો વિવિધ શહેરોની હોસ્પિટલમાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિને પણ પહોંચી વળાય એવી તૈયારી શરુ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ઓમિક્રોનના ઝળુંબતા ભયની વચ્ચે પણ હજુ રાજ્યમાં શૈક્ષણિક કાર્ય તો ધમધમી જ રહ્યું છે. શાળાઓ બંધ કરવા અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. જોકે, કોવિડ-19 અંગેની ગાઈડલાઈનનું તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં પાલન કરવા અંગેની કડક સૂચના આપી દેવામાં આવી છે. (તસવીર પ્રતિકાત્મક છે)

