અમદાવાદ, મંગળવાર
મણિનગર વિસ્તારમાં એક પાર્ટી પ્લોટમાં એક લગ્ન યોજાયા હતા. જેમાં શ્વેતા નામની યુવતીએ લગ્ન કરવા જઈ રહેલા તેના ભાઈ એવા વરરાજાને લગ્ન કરવા અનોખી રીતે લઈ ગઈ હતી. પોતે બૂલેટ હંકાર્યું હતું અને તેની પાછળ વરરાજા ભાઈ બેઠો હતો. બેન્ડ બાજા સાથે અનોખી રીતે જાન પાર્ટી પ્લોટ પર હતી. જાનૈયાઓમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળતો હતો. જાનૈયા નાચી રહ્યા હતા. દરમિયાન પરિવારજનોના આનંદનો પાર ન હતો. બહેન બૂલેટ પર વરરાજા ભાઈને લઈને પાર્ટી પ્લોટ પહોંચી ત્યારે કન્યા પક્ષના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ભાઈને પરણાવવા પહોંચેલી બહેન બધા માટે એક પ્રેરણાનું માધ્યમ બની હતી. અન્ય યુવતીઓને પણ લગ્નમાં કંઈક હટકે કરવાનો આઈડિયા શ્વેતાએ આપ્યો હતો. લગ્ન પૂર્ણ થયા બાદ જાન વળાવવાના પ્રસંગે પણ વરવધૂ બૂલેટમાં ગયા હતા. આ વખતે વરરાજાએ બૂલેટ ચલાવ્યું હતું અને નવવધૂએ બૂલેટની પાછળની સીટમાં બેસીને સાસરિયા પ્રસ્થાન કર્યું હતું. બૂલેટ લઈને જતા વરરાજા પણ નાચતા જાનૈયા સાથે જોડાઈ ગયા હતા અને બૂલેટ ચલાવતાં ચલાવતાં જ નાચવા લાગ્યા હતા.

