પટના, સોમવાર
જાતિગત વસ્તીગણતરીને લઈને કેન્દ્ર સરકારથી બિહાર સરકારે જુદો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર પોતાના ખર્ચે રાજ્યમાં કાસ્ટ સેન્સસ કરાવશે. આની ઘોષણા સોમવારે મુખ્યમંત્રી નીતિશ કુમારે કરી છે. જનતા દરબારમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ છે કે તૈયારી થઈ ચુકી છે. ઝીણવટભરી રીતે જાતિગત વસ્તીગણતરી કરાવવામાં આવશે.
બિહારની સરકાર પારદર્શક રીતે જાતિ આધારીત વસ્તીગણતરી કરાવશે. કોઈપણ પ્રકારની ચૂક કરવામાં નહીં આવે. ઓલ પાર્ટી મીટિંગ કરીને તેને આખરી ઓપ આપવામાં આવશે. તમામ રાજકીય પાર્ટીઓ સંમત થઈ ગઈ છે. અમે જલ્દીથી સર્વપક્ષીય બેઠક કરવા જઈ રહ્યા છીએ. ડેપ્યુટી સીએમ અને પોતાની પાર્ટીના તમામ લોકો સાથેવાત કરી ચુક્યા છીએ. જલ્દીથી એક તારીખ નક્કી કરીને મીટિંગ કરાવવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે બિહાર પહેલા કર્ણાટક પોતાના સ્તરે જાતિગત વસ્તીગણતરી કરી ચુક્યું છે. હવે જાતિ આધારીત વસ્તીગણતરી કરાવવાના મામલે બિહાર દેશનું આવું બીજું રાજ્ય બનશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ છે કે આમા બધાં લોકોનો અભિપ્રાયજરૂરી છે. જાતિગત વસ્તીગણતરી કેવી રીતે કરાવવાની છે, ક્યારે કરાવવાની છે. ક્યાં માધ્યમથી કરાવાશે. આ બધું બેઠકમાં સૌના અભિપ્રાય લઈને નક્કી કરવામાં આવશે. સૌની સંમતિથી જે વાત નીકળશે તેના આધારે કરાવવામાં આવશે. આ ઘણું સારી રીતે કરાવવામાં આવશે, જેથી કોઈ બાબત બાકાત રહી જાય નહીં.
શિયાળુ સત્રમાં બિહાર વિધાનસભાના વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ફરીથી મુખ્યમંત્રી નીતિશ કુમારને મળીને કાસ્ટ સેન્સસ કરાવવાની માગણી કરી હતી. તેમા નીતિશ કુમારે તેજસ્વી યાદવને ભરોસો અપાવ્યો હતો કે જલ્દીથી જાતિગત વસ્તીગણતરીને લઈને ઓલ પાર્ટી બેઠક કરીને તેને આખરી ઓપ આપવામાં આવશે. નિવેદન બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારે જાતિગત વસ્તીગણતરીને લઈને પોતાનું વલણ બનાવી લીધું છે. મહત્વપૂર્ણ છે કે ઓગસ્ટમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સહીતના બિહારના 10 પક્ષોના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ નેતાઓએ 2021ની વસ્તીગણતરીમાં જાતિગત ગણનાની માગણીને લઈને વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી ગહતી. બિહારમાં ભાજપ સિવાયના તમામ પક્ષો જાતિગત વસ્તીગણતરીની માગણી કરી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકાર આનો પહેલેથી જ ઈન્કાર કરી ચુકી છે.
દેશમાં પહેલીવાર 1881માં વસ્તીગણતરી થઈ હતી. પહેલીવાર થયેલી વસ્તીગણતરીમાં જાતિગત ગણનાના આંકડા પણ જાહેર થયા હતા. ત્યારથી દર દશ વર્ષે સેન્સસ થાય છે. 1931 સુધીના સેન્સસમાં જાતિવાર વસ્તીગણતરીના આંકડા જાહેર થતા હતા. 1941ના સેન્સસમાં જાતિગત વસ્તીગણતરીના આંકડા એકઠા કરાયા હતા, પરંતુ તેને જાહેર કરવામાં આવ્યા ન હતા. સ્વતંત્રતા બાદ સેન્સસમાં સરકારે માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આંકડા જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. તેના પછી બાકીની જાતિઓના આંકડા ક્યારેય જાહેર થયા નથી.

