નવી દિલ્હી,રવિવાર
દિલ્હીમાં પણ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દસ્તક આપી છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને રવિવારે તેમના પ્રથમ ઓમિક્રોન કેસની પુષ્ટિ કરી, દેશમાં આ નવા પ્રકારના કોવિડના પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા પાંચ થઈ ગઈ.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે દર્દી તાન્ઝાનિયાથી પાછો ફર્યો છે અને હવે તેને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કોવિડના 17 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે અમે તેમને અલગ વોર્ડમાં આઈસોલેટ કર્યા છે. બીજી તરફ દિલ્હી સરકારે ફરી એકવાર કેન્દ્ર સરકાર પાસે ફ્લાઈટ બંધ કરવાની માંગ કરી છે.
દિલ્હીમાં મળી આવ્યો ઓમિક્રોનનો પ્રથમ કેસ
બેંગલુરુ, મુંબઈ અને જામનગર બાદ હવે દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે સંક્રમિત વ્યક્તિ તાંઝાનિયાથી પરત આવ્યો હતો. એરપોર્ટ પર તપાસ બાદ જાણવા મળ્યું કે તે ઓમિક્રોનથી સંક્રમિત હતો. ઓમિક્રોનથી સંક્રમિત આ વ્યક્તિને દિલ્હીની LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા શનિવારે ગુજરાતનાં જામનગરમાં ઓમિક્રોનનો કેસ સામે આવ્યો હતો. આ તરફ મુંબઈ અને બેંગલુરુમાં પણ ઓમિક્રોન કેસ મળીને અત્યારસુધીમાં દેશમાં કુલ 5 કેસ નોંધાયા છે.
મુંબઈમાં ઓમિક્રોનનો ચોથો કેસ સામે આવ્યો
કોરોનાની બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. શનિવારે અહીં ઓમિક્રોનનો ચોથો કેસ સામે આવ્યો છે. આ પહેલા અત્યાર સુધીમાં વિદેશથી આવેલા 13 લોકો સંક્રમિત મળી આવ્યા છે. શનિવારે વધુ 3 લોકોનો રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો હતો. આ લોકોનો RT-PCR રિપોર્ટ જીનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યો છે. તેમણે ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે અને ડોકટરોની દેખરેખ હેઠળ છે.
આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત આવ્યો હતો
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલીનો રહેવાસી આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો. તેની ઉંમર 33 વર્ષની છે. દક્ષિણ આફ્રિકાથી દુબઈ, પછી દિલ્હી અને ત્યાંથી 24મી નવેમ્બરે મુંબઈ આવ્યો હતો. તેણે હજુ સુધી કોરોનાની વેક્સિન લીધી નથી. મુંબઈમાં ઉતરતી વખતે તેને હળવો તાવ હતો. આ સિવાય તેનામાં કોરોનાના અન્ય કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. સારવાર માટે તેમને કલ્યાણના કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા 12 હાઇ રિસ્ક અને 23 લો-રિસ્ક કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવ્યા છે. બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં તેમની સાથે મુસાફરી કરી રહેલા 25 અન્ય મુસફરોનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે. અગાઉ, કર્ણાટકમાં બે અને ગુજરાતના જામનગરમાં એક દર્દીમાં નવા વેરિયન્ટની પુષ્ટિ થઈ હતી.

