HomeGujaratગુજરાતમાં ઓમિક્રોન : સાવચેતી એ જ સલામતી, ફરજિયાત માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટેન્સિંગ...

ગુજરાતમાં ઓમિક્રોન : સાવચેતી એ જ સલામતી, ફરજિયાત માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવો 

અલ્પેશ પટેલ, ગાંધીનગર, શનિવાર

   વિશ્વના 33 દેશોમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ ગુજરાતના જામનગરમાં નોંધાયો છે. જેના કારણે રાજ્ય સરકારની ચિંતા પણ વધી ગઈ છે. સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થઈ ચૂક્યું છે અને પોઝિટિવ આવેલ વ્યક્તિ હાલ સઘન સારવાર હેઠળ છે. 28મી નવેમ્બરે દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી પ્રવાસી આવ્યો હતો અને તેણે ગળામાં દુઃખાવો અને શરીરમાં દુઃખાવો થતાં એરપોર્ટ ઉપર આરટીપીસીઆર ટેસ્ટ કરાયો હતો અને તેના સેમ્પલ પૂનાની લેબમાં મોકલાયા હતા અને બાદમાં તેનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ આ વ્યક્તિને આઈસોલેટ કરાયો છે અને વિદેશથી આવનારા અન્ય પ્રવાસીઓના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

  અગાઉ બે વર્ષ પહેલાં પણ સૌરાષ્ટ્રથી જ કોરોનાની એન્ટ્રી થઈ હતી અને હવે ઓમિક્રોનની એન્ટ્રી પણ સૌરાષ્ટ્રથી થઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં વિદેશથી 250થી વધારે પ્રવાસીઓ આવ્યા છે જે ચિંતાનો વિષય બન્યા છે. આ તમામના રિપોર્ટ કરાવવામાં આવે તે વર્તમાન સમયની જરૂરીયાત છે. ઓમિક્રોનની ભયાનક અસર દક્ષિણ આફ્રિકામાં જાેવા મળી રહી છે અને અત્યારે ત્યાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે. ભારતમાં સૌપ્રથમ કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા બાદ હવે રફ્તાર પકડી છે અને ગુજરાતમાં પગપેસારો કર્યો છે તે સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. ઓમિક્રોનથી મૃત્યુનું જાેખમ ઓછું છે પણ એ ઝડપથી ફેલાય છે તે ચિંતાનો વિષય છે. 

  વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને અનેક દેશો કોરોના સામે હજુ ઝઝૂમી રહ્યા છે ત્યાં ઓમિક્રોન વેરિઅન્ટે વિશ્વના ૩૩ દેશોમાં હાહાકાર મચાવ્યો છે. દક્ષિણ આફ્રિકાથી ઉદભવેલા આ વેરિઅન્ટ ખૂબ ટૂંકા સમયમાં વિશ્વના 33 દેશોમાં પ્રસર્યો છે અને અને તે ભારત સુધી પણ પહોંચી ચૂક્યો છે અને હવે ગુજરાતમાં પણ તેની એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાતમાં બે વર્ષ પહેલાં જ્યારે કોરોનાનો પહેલો કેસ સૌરાષ્ટ્રમાં નોંધાયો ત્યારે લોકોએ ગંભીરતા દાખવી નહોતી અને આપણને શું થશે તેવી માનસિક્તા રાખી હતી.

  ધીમે-ધીમે કોરોનાએ ગુજરાત ઉપર પંજાે ફેલાવ્યો હતો. કોરોનાની પહેલી લહેરમાં મૃત્યુઆંક ઓછો હતો પણ સેંકડો લોકો કોરોનાનો શિકાર બન્યા હતા. એ પછી લોકોએ હવે કોરોના જતો રહ્યો છે તેમ માનીને બેદરકારી દાખવી હતી અને એપ્રિલમાં જ્યારે કોરોનાની બીજી ઘાતક લહેર આવી તે કોઈ ભૂલી શક્શે નહી. સંભવિત ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજ્યમાં વેક્સિનેશન પૂરજાેશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે અને હજુ આરોગ્ય વિભાગ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.

  ઓમિક્રોન ઝડપથી ફેલાતો વાઈરસ છે અને આ વાઈરસ તેવી વ્યક્તિને પણ અસર કરી રહ્યો છે કે, જેણે રસીના બે ડોઝ લીધા હોય તે પણ તેના ચેપથી બચી શક્તા નથી. વિશ્વના ૩૩ દેશો ઓમિક્રોનથી ઝઝૂમી રહ્યા છે પણ એક સારી વાત એ છે કે, ઓમિક્રોનથી મૃત્યુનું જાેખમ ઘણું ઓછું છે. આ અંગે ગુજરાતના નામાંકિત ડોક્ટરો સલાહ આપતા કહે છે કે, કોરોનાકાળમાં જે સલામતી રાખી એ જ સલામતી રાખવી પડશે નહી તો ઓમિક્રોન ઝડપથી પ્રસરશે. ફરજિયાત માસ્ક પહેરાવનો આગ્રહ રાખવો પડશે, સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવું અનિવાર્ય છે.

   ભીડ ભાડવાળી જગ્યા ઉપર જવાનું ટાળવું જાેઈએ અને નિયમિત હેન્ડ વોશ કરવા જાેઈએ. આ સિવાય સ્નેહ મિલન સમારંભો તેમજ લગ્ન પ્રસંગોમાં જ્યાં ભીડ હોય ત્યાં જવાનું ટાળવું જાેઈએ. જેમને વેક્સિનનો બીજાે ડોઝ ન લીધો હોય તે લોકો અચૂકથી બીજાે ડોઝ લઈ લે તે જરૂરી હોવાનું પણ ડોક્ટરો જણાવી રહ્યા છે. ઓમિક્રોનના કારણે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે કેમ કે, આગામી જાન્યુઆરીમાં બીજા સપ્તાહમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે અને તે પહેલાં ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં વાઈબ્રન્ટ સમિટ ઉપર કાળા વાદળા ઘેરાયા છે. વાઈબ્રન્ટ સમિટમાં મોટાભાગના ડેલિગેશન વિદેશથી આવવાના છે ત્યારે હવે ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે આગામી દિવસોમાં તેનો વ્યાપ કેટલો વધે છે તેના ઉપર રાજ્ય સરકારની નજર રહેશે. 

ઓમિક્રોનના લક્ષણો શું હોય છે
  ઓમિક્રોન એક ચેપી વેરિઅન્ટ છે અને તે એક માણસથી બીજા માણસમાં પ્રસરે છે. ઓમિક્રોન સંક્રમિત એક વ્યક્તિ 20 વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. સંક્રમિત થયેલ દર્દીને ગળામાં ખારાશનો અનુભવ થાય છે. માંસપેશીઓમાં દુઃખાવો થાય છે અને સતત થાક લાગતો હોય તેવું લાગ્યા કરે છે. શરીરના તાપમાનમાં વધારો થાય છે. ક્યારેક સૂકી ખાંસી આવે છે. કેટલાક કિસ્સાઓમાં શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW