ગાંધીનગર, શનિવાર
ગુજરાત કોંગ્રેસના નવા સૂકાની તરીકે જગદીશ ઠાકોર નિયુક્ત થયા છે અને આ સાથે જ તેમના ઉપર હાઈકમાન્ડને પણ મોટી અપેક્ષાઓ છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ રાજકીય વનવાસ ભોગવી રહી છે એ વનવાસ 2022માં પૂરો થાય અને કોંગ્રેસ સત્તામાં આવે તે ગુજરાત કોંગ્રેસ પણ ઈચ્છી રહી છે. ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનનો લાભ મળતાં કોંગ્રેસ 77 બેઠકો સુધી પહોંચી હતી. જાે કે, 2022માં સ્થિતિ અલગ હશે ત્યારે કોંગ્રેસે પોતાના દમ ઉપર સારું પ્રદર્શન કરવું પડશે અને તે માટે હવે માંડ 11 મહિનાનો સમય બચ્યો છે ત્યારે જગદીશ ઠાકોર માટે રાત ટૂંકી અને વેશ ઝાઝા જેવો ઘાટ ઘડાયો છે.
જગદીશ ઠાકોર બેશક ફાયર બ્રાન્ડ નેતા છે અને ઠાકોર સમાજ ઉપરાંત અન્ય સમાજાેમાં પણ તેમનું પ્રભુત્વ છે અને તેમના ભાષણ સાંભળવા માટે સ્વયંભૂ લોકો ઉમટી પડે છે એ પણ તેમની ખૂબી છે. ગુજરાત કોંગ્રેસમાં ચાલતા આંતરિક જૂથવાદમાં તેઓ કોઈ પણ જૂથના ગણાતા નથી અને તેમણે ભરતસિંહ સોલંકી જૂથથી લઈ એહમદ પટેલ જૂથ સાથે પણ સારા સંબંધો છે અને સિનિયર નેતાઓમાં પણ તેઓ લોકપ્રિય છાપ ધરાવે છે. જગદીશ ઠાકોર પાસે હવે વિધાનસભાની ચૂંટણી માટે 11 મહિનાનો સમય બચ્યો છે ત્યારે આ 11મહિનામાં અનેક જવાબદારીઓ નિભાવવાની છે અને કોંગ્રેસને 2022ની ચૂંટણીમાં વિજયી બનાવીને સત્તામાં લાવવાની પણ મોટી જવાબદારી છે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ મોટી-મોટી ચૂંટણીઓ હારતી આવી છે અને તેના કારણે સિનિયર નેતાઓથી લઈ કાર્યકરોનું મનોબળ તળિયે પહોંચ્યું છે. સિનિયર નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ વધે, તેમનું મનોબળ વધે તે માટે હવે જગદીશ ઠાકોરે પ્રયત્નો કરવા પડશે. આ સિવાય રાજ્યની જનતાની નાડ પારખવી પડશે અને તેના થકી કોંગ્રેસનું નવસર્જન પણ કરવું પડશે. કોંગ્રેસમાં મૃતઃપ્રાય બનેલા સંગઠનને ચેતનવંતુ બનાવવું પડશે અને નવી નિમણૂકો કરવાની કપરી જવાબદારી પણ વહન કરવી પડશે. કોંગ્રેસના સિનિયર નેતાઓને એક સાથે લઈને ચાલવું પડશે. જગદીશ ઠાકોરની ખાસિયત છે કે, તેઓ જમીન ઉપર ચાલનારા નેતા છે અને કોંગ્રેસના દરેક સિનિયર નેતાઓના તેઓ પ્રીતિપાત્ર છે તેથી જૂથબંધીને પણ કાબૂમાં લઈ શક્શે તેમાં બેમત નથી. કોંગ્રેસના નબળા સંગઠનને મજબૂત કરવાની જવાબદારી પણ તેઓ નિભાવી શક્શે તેમાં બેમત નથી. ગુજરાત કોંગ્રેસ દરેક ચૂંટણીઓમાં ધોબી પછડાટ ખાઈ રહી છે અને ચૂંટણી લડતા પહેલાં હાર સ્વીકારી લે છે અને તેના કારણે કાર્યકરોનો આત્મવિશ્વાસ તળિયે પહોંચ્યો છે એ આત્મવિશ્વાસ બુલંદ કરવો પડશે અને નિરાશાજનક વાતાવરણને દૂર કરવું પડશે.
વિધાનસભાની ચૂંટણી માટે માત્ર 11 મહિનાનો સમય બચ્યો છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસે ઝંઝાવાતી વાતાવરણ ઊભું કરવું પડશે અને આક્રમકતા દાખવવી પડશે. ગુજરાતમાં ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટીને પણ ટક્કર આપવા માટે રણનીતિ ઘડવી પડશે. ભાજપે કોંગ્રેસના મજબૂત ગઢમાં ગાબડાં પાડ્યાં છે અને તેના કારણે પરંપરાગત વોટબેન્ક પણ ભાજપ તરફ ખેંચાઈ છે તે વોટબેન્કને પોતાની તરફ લાવવા માટે પણ તનતોડ મહેનત કરવી પડશે. ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના ગઢ મજબૂત છે પણ શહેરી વિસ્તારમાં કોંગ્રેસનું મોટાપાયે ધોવાણ થઈ રહ્યું છે તે અટકાવવું પડશે અને શહેરી મતદારો કોંગ્રેસમાં વિશ્વાસ મૂકે તેવું વાતાવરણ ઊભું કરવું પડશે. કોંગ્રેસના નવા માળખાનું ઊભું કરીને કામની વહેંચણી પણ કરવી પડશે અને તે માટે જગદીશ ઠાકોર માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે. ગઈ ગુજરી ભૂલી જઈને કોંગ્રેસે હવે 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાની છે તેવો અભિગમ રાખીને રાજ્યના છેવાડાના મતદારો સુધી પહોંચવું પડશે.
ગુજરાતમાં કોંગ્રેસ ગઈકાલે પણ હતી અને આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે પણ અંદરોઅંદરની ખેંચતાણ અને ટિકીટ ફાળવણીમાં મામકાવાદના કારણે ફટકો પડી રહ્યો છે તે છબી સુધારવી પડશે. કોંગ્રેસમાં પ્રતિભાશાળી ઉમેદવારોની કમી નથી પણ એ પ્રતિભાને નિખાર આપવામાં આવતો નથી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ કે જેઓ જૂથવાદ ચલાવી રહ્યા છે તેમાં આવા નવોદીતો શિકાર બની જાય છે અને કોંગ્રેસને ઉપરા ઉપરી હારનો સામનો કરવો પડે છે. જગદીશ ઠાકોરે પ્રમુખ બનતાં જ ગર્જના કરી હતી કે, ભાજપના ભૂક્કા બોલાવી દઈશું એ બહુ સારી વાત છે પણ હજુ જગદીશ ઠાકોર માટે એ ગર્જનાને સાકાર કરવા માટે દિવસ-રાત તનતોડ મહેનત કરવી પડશે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 41 ટકા વોટ શેર મળ્યા હતા અને ભાજપને 48 ટકા વોટ શેર મળ્યા હતા એટલે કે ગેપ માત્ર 8 ટકા વોટ શેરની છે અને તેમાં કોંગ્રેસે તો માત્ર 4 ટકા વોટ પોતાની તરફ લાવવાના છે અને તે માટે જગદીશ ઠાકોર તનતોડ મહેનત કરશે તો કોંગ્રેસનું સત્તામાં આવવાનું સપનું પૂરું થઈ શકે છે તેમાં બેમત નથી.

