દહેગામ, શુક્રવાર
ગાંધીનગર જીલ્લાના દહેગામ જી.આઇ.ડી.સી.માં આવેલ શ્રી હરિ પાઈપની ફેકટરીના માલિક ગૌતમભાઈ પટેલને ફેકટરીમાં કામ કરતાં મજુરે લોખંડની પાઇપ વડે 37 જેટલા ફટકા મારી ક્રુર રીતે હત્યા કરનાર પરપ્રાંતીય આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને બિહાર ખાતેથી પકડી લઈ દહેગામ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફેક્ટરી માલિકની હત્યા બાદ દહેગામ પોલીસથી લઈ ગાંધીનગર એલસીબી સહિતની અનેક એજન્સીઓ કામે લાગી હતી જેમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને આરોપીને ઝબ્બે કરવામાં સફળતા મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જુલાઈ માસની 8 તારીખે રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે દહેગામ જી.આઇ.ડી.સી માં આવેલ શ્રી હરિ પી.વી.સી.પાઇપની ફેકટરીના માલીક ગૌતમભાઇ પટેલને તેઓની ફેકટરીમાં મશીન પર કામ કરતા કારીગર અખિલેશ ઉર્ફે અકલેશ બિહારી નામના પરપ્રાંતીય શખ્સે લોખંડની પાઈપ વડે માથાના ભાગે 37 જેટલા ફટકાઓ મારી ગૌતમભાઇને ક્રૂરતા પૂર્વક મોતને ઘાટ ઉતારી ફેકટરી માંથી રોકડા રૂ.60,000 તથા મોબાઇલ ફોનની ચોરી કરી પોતાના વતન ભાગી ગયો હતો. સતરંગી દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસી હત્યારાને પકડવા માટેના સઘન પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં અનેક એજન્સીઓ અત્યાર સુધી પહોંચવા માટે કામ કરી રહી હતી તેમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને આરોપીને પકડવામાં સફળતા મળી હતી. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડી પાડી આજરોજ દહેગામ પોલીસ મથકની સુપ્રત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને કેવી રીતે ઝડપ્યો ?
દહેગામ જીઆઇડીસીમાં આવેલ શ્રી હરિ પાઇપ ફેકટરીનાં માલિક ગૌતમભાઈ પટેલની હત્યા થયા બાદ દહેગામ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવા માટે દહેગામ પોલીસ, ગાંધીનગર એલસીબી, ગાંધીનગર એસઓજી, અમદાવાદ એલ.સી.બી અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ જેવી અનેક એજન્સીઓએ આરોપી સુધી પહોંચવા માટે છેક બિહાર સુધી ધામા નાખ્યા હતા.
જેમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીક સાહેબનાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.બ્રહ્મભટ્ટના સ્કોડના પો.સ.ઇ. જે.ડી. બારોટ તથા ટેકનિકલ પો.સ.ઈ. કુલદીપ પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે દહેગામ પાઇપ ફેકટરી માલિકની હત્યાના ગુન્હાના આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.બ્રહ્મભટ્ટને ટેકનિકલ સોર્સ તથા ખાનગી રીતે બાતમી હકીકત મળેલ કે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી અખિલેશ ઉર્ફે અકલેશ તેના વતન બિહારમાં છુપાઈને રહે છે. જે બાતમી આધારે પો.સ.ઈ. જે.ડી.બારોટ પોલીસ ટીમ સાથે બિહાર આરોપીના વતન ખાતે પહોંચ્યા હતા. જયાં આરોપીની ઉપર વોચ રાખી, આરોપી અખિલેશ ઉફે અકલેશ ફુલેશ્વર રીસીદેવ, ઉ.વ.23, રહે. ગામ રૂગનાથપુરા, થાના ભરગમા જી.અરેરીયા, બિહાર મળી આવતાં તેના વતન ખાતેથી ડીટેઈન કરી અત્રે ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. જેને આજ રોજ દહેગામ પોલીસ મથકે સુપરત કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હત્યારાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી આરોપી ભાગી છૂટ્યો હતો
દહેગામ જીઆઇડીસી ખાતે આવેલી શ્રી હરિભાઈ ફેક્ટરીમાં ગત જુલાઇ માસ દરમિયાન ફેક્ટરીમાં હત્યા થઈ હતી. ફેક્ટરી માલિકે ગૌતમભાઈ પટેલ ની હત્યા ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરી કરી હોવાનું સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું હતું. જેમાં ગૌતમભાઈ પટેલ ના માથામાં 37 જેટલા લોખંડની પાઇપના બેરહમીથી ફટકા મારી ક્રૂરતા પૂર્વક મોત નિપજાવ્યું હતું. બાદમાં આરોપી 60 હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ ફેક્ટરી માલિકનું મોબાઇલ લઇને પોતાના પરિવાર સાથે તેના વતન બિહાર તરફ ભાગી ગયો હતો.
માલિકે વતનમાં જવા રજા ન આપતાં હત્યા કર્યાનું સામે આવ્યું
આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે માલિક પાસે પગાર ના 2000 રૂપિયા તેમજ વતન જવા માટે રજા માંગી હતી જેમાં ફેક્ટરી માલિકે કામ પૂરું કરી જવાનું કહેતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. રાત્રે આઠ વાગ્યાની આસપાસ ફેક્ટરીમાં માલિક આ સિવાય બીજું અન્ય કોઈ ન હોવાથી તકનો લાભ લઇ લોખંડની પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યા હોવાની કબૂલાત કરી હતી.

